અલીગઢના એક કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું તાળું બનાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે મંદિર ખુલવાની આશા છે. ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્માએ ‘દુનિયાનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું’ તૈયાર કર્યું છે, જેને બનાવવામાં મહિનાઓની મહેનત લાગી છે. આ તાળાને સત્ય પ્રકાશ શર્મા વર્ષના અંતમાં રામ મંદિર ટ્રસ્ટને આ લોક ગિફ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સત્ય પ્રકાશ શર્મા વ્યવસાયે કારીગર છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓને મોટી સંખ્યામાં ભક્તો તરફથી પ્રસાદ મળી રહ્યો છે અને અમારે હવે એ જોવું પડશે કે તાળાઓનો ઉપયોગ ક્યાં કરી શકાય. તાળાના કારીગર સત્ય પ્રકાશે કહ્યું કે તેમના વડવાઓ એક સદી કરતા પણ વધુ સમયથી હાથથી બનાવેલા તાળાઓ બનાવી રહ્યા છે. તે 45 વર્ષથી વધુ સમયથી ‘તાલા નગરી’ અલીગઢમાં તાળા બનાવવાનું અને પોલિશ કરવાનું કામ કરી રહ્યો છે.
સત્ય પ્રકાશે જણાવ્યું હતું કે, અમે રામ મંદિરને ધ્યાનમાં રાખતા ચાર ફૂટની ચાવીથી ખૂલતું વિશાળ તાળું બનાવ્યું છે, જે 10 ફૂંટ ઉંચું, 4.5 ફૂટ પહોળું અને 9.5 ઈંચ મોટું છે. આ તાળાને આ વર્ષની શરૂઆતમાં અલીગઢ વાર્ષિક પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને હવે શર્મા, તેમાં થોડું સંશોધન કરીને અને સજાવટમાં વ્યસ્ત છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે આ યોગ્ય હોય. સત્ય પ્રકાશ શર્માની સાથે આ કાર્યમાં તેમની પત્ની રૂકમણિ દેવીએ પણ યોગદાન આપ્યું છે.
સત્ય પ્રકાશની પત્ની રુકમણીએ કહ્યું કે અગાઉ અમે છ ફૂટ લાંબુ અને ત્રણ ફૂટ પહોળું તાળું બનાવ્યું હતું, પરંતુ કેટલાક લોકોએ મોટું તાળું બનાવવાનું સૂચન કર્યું, તેથી અમે તેના પર કામ શરૂ કર્યું. તેમણે કહ્યું કે તાળાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. શર્માના કહેવા પ્રમાણે, અમને તાળું બનાવવામાં લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમણે કહ્યું કે હું દાયકાઓથી તાળા બનાવવાનો વ્યવસાય કરું છું, તેથી મેં મંદિર માટે એક વિશાળ તાળું બનાવવાનું વિચાર્યું કારણ કે આપણું શહેર તાળાઓ માટે જાણીતું છે અને આ પહેલાં કોઈએ આવું કંઈ કર્યું નથી.
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે શુક્રવારે જણાવ્યું હતું કે મંદિર ટ્રસ્ટ આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરશે, જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલવામાં આવશે.