પાકિસ્તાનના કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જ્યારે 50 જેટલા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક ન્યૂઝના રિપોર્ટ મુજબ કરાચીથી લગભગ 275 કિલોમીટર દૂર સ્થિત એક સ્ટેશન પાસે થયેલા આ ભીષણ ટ્રેન અકસ્માતમાં હજુ વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
પ્રસાશન બચાવ અભિયાન ચલાવી રહ્યું છે અને આજુબાજુની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. ટ્રેનના પાટા પરથી ઉતરવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જિયો ન્યૂઝે શક્કુર રેલ મંડળના અધીક્ષક મહમૂદુર્રહમાનના હવાલે જણાવ્યું કે દુર્ઘટનાના કારણે, અપ ટ્રેક પર ટ્રેનોની અવરજવર બંધ કરાઈ છે.
પાકિસ્તાની સમાચાર ચેનલ ડોનના જણાવ્યાં મુજબ પાકિસ્તાન રેલવેના સુક્કુર મંડલ વાણિજ્યિક અધિકારી (ડીસીઓ) મોહસિન સિયાલે જણાવ્યું કે હું દુર્ઘટના સ્થળે જઈ રહ્ય છું. તેમણે કહ્યું કે કેટલાક લોકો જણાવી રહ્યા છે કે પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. કેટલાક કહે છે કે આઠ ડબ્બા ખડી પડ્યા છે. કેટલાક 10 ડબ્બા ઉતરી ગયાનું જણાવે છે.
અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસના જણાવ્યાં મુજબ હજારા એક્સપ્રેસ સિંધ પ્રાંતમાં શહજાદપુર અને નવાબશાહ વચ્ચે સરહરી રેલવે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ. સ્થાનિક ટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો પાટા પરથી ઉતરેલી બોગીઓ પાસે જોવા મળી રહ્યા છે.