ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં યુનિવર્સિટી દ્વારા સર્ચ ઓપરેશન કરી ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને દૂર કરી તેમના પર અનઅધિકૃત પ્રવેશ બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવે : ABVP મંત્રી ઉમંગ મોજીદ્રા
અમદાવાદ
અમદાવાદ કાર્યાલય મંત્રી ખુશ જસાણીએ એક યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી નું કેન્દ્ર સ્થાન રહ્યું છે પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોની ઢીલી નીતિને કારણે યુનિવર્સિટી કારકિર્દી નહી પરંતુ માત્ર વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ડી બ્લોક હોસ્ટેલમાં ગાંજાના છોડ મળી આવેલ છે. ગાંધીજી ના ગુજરાતમાં નશાખોરી ને કદાપિ સ્થાન આપી શકાય નહિ.ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ અસામાજિક તત્વોની આશ્રય સ્થાન બની ગઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ ના કરતા હોય તેવા અનેક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલોમાં નિવાસ કરી અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી સતત અસુરક્ષિત કેમ્પસ બની રહી છે યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટ ખાતેથી 17 AC ચોરાઈ જવાની ઘટનાની શાહી સુકાઈ નથી તેવામાં યુનિવર્સિટીમાં ઉત્તરવહી કાંડ થાય છે. યુનિવર્સિટી કેમ્પસ જાણે રેસિંગ ટ્રેક બની ગયો હોય તેમ વૈભવી કારના સ્ટંટના વિડીયો વાયરલ થયા છે.તમામ ઘટનામાં યુનિવર્સિટી તંત્ર દ્વારા ગંભીર મૌન ધારણ કરી લેવામાં આવે છે.
ઉમંગ મોજીદ્રા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર મંત્રી ઉમંગ મોજીદ્રા જણાવે છે કે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં યુનિવર્સિટી દ્વારા સર્ચ ઓપરેશન કરી ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને દૂર કરી તેમના પર અનઅધિકૃત પ્રવેશ બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવે ઉપરાંતમાં યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને ખુલાસાદર્શક નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.યુનિવર્સિટી કેમ્પસમાં સીસીટીવી કેમેરા વડે મોનિટરિંગ કરી યુનિવર્સિટી કેમ્પસનું વાતાવરણ ડહોળતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ABVP ની સ્પષ્ટપણે માંગ છે.