મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અમદાવાદના એક્સપ્રેસ હાઈવે ઉપરથી રામોલ પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. જોકે પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની કાર રોકતા કારમાં બેઠેલા બે પુરુષ અને એક યુવતી કાર તપાસ નહિ કરવા દેવા માટે અનેક બહાનાઓ કાઢ્યા હતા, જેના આધારે પોલીસને શંકા ગઈ હતી. પોલીસે તપાસ કરતા મોટી માત્રામાં ડ્રગસનો જથ્થો મળી આવ્યો હતો. તો કોણ છે આ આરોપીઓ અને કઈ રીતે કરતા હતા ડ્રગસની હેરાફેરી. આમ તો સમગ્ર રાજ્યમાં દિવસને દિવસે ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે, જેને રોકવા પોલીસ પણ હવે સતર્ક બની છે અને અલગ અલગ જગ્યાએ માહિતીના આધારે ડ્રગસની હેરાફેરી કરતા લોકોને પકડી રહી છે. ત્યારે મુંબઈથી અમદાવાદ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહેલા ત્રણ લોકોને રામોલ પોલીસે પકડી પાડ્યા છે. રામોલ પોલીસનો સ્ટાફ જ્યારે એક્સપ્રેસ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન મુંબઈ પાસિંગની એક કાર આવતા તેને રોકવામાં આવી હતી જેમાં બે પુરુષને એક મહિલા બેઠા હતા. પોલીસે કારને ઉભી રાખતા બંને પુરુષોએ મહિલા ગર્ભવતી છે અને તે કાર નીચે નહીં ઉતરી શકે તેવું બહાનું આપ્યું હતું. જેને કારણે પોલીસને શંકા ગઈ હતી. પોલીસ કાર પાસે જતા મહિલાએ પોતાના હાથમાં રહેલું એક પેકેટ તેની પાછળની સીટ પણ ફેંકી દીધું હતું જેથી પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી અને તેણે કારની તલાસી લીધી હતી તેમજ આ પેકેટમાં શું છે તે વિશે પૂછપરછ કરતા ત્રણમાંથી એક પણ વ્યક્તિ તેનો યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આખરે પોલીસે પેકેટ તપાસતા તેમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતા. પોલીસે ત્રણેય વ્યક્તિની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે તેમના નામ અયુબ ઈબ્રાહીમ કુરેશી, શેહઝાદી નુર ઇસ્લામ શેખ અને અયુબખાન નવાઝખાન ખાન છે અને ત્રણેય લોકો મુંબઈના રહેવાસી છે. ત્રણેય લોકો મુંબઈથી જ ડ્રગ્સનો જથ્થો પોતાની સાથે લાવ્યા હતા અને અમદાવાદના કોઈ જગ્યા પર આપવાના હતા. પોલીસે કારમાં રહેલા પેકેટ માંથી 37.66 લાખનો 376.600 ગ્રામ એમ.ડી ડ્રગસ પકડી પાડ્યું હતું સાથેજ મોબાઈલ, રોકડ અને કાર સહિત કુલ 43 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પોલીસ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે મહિલાનો પતિ મુંબઈમાં જેલમાં છે. મુંબઈમાં મારામારીના ગુનામાં તેનો પતિ જેલમાં હોવાનું પણ વાત સામે આવી છે. પોલીસ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે પાંચેક વર્ષ અગાઉ તેઓ એક વખત આ રીતે મુંબઈથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવ્યા હતા પરંતુ પોલીસને આ વાત ગળે નહીં ઉતરતા પોલીસને હજી પણ શંકા છે કે પાંચ વર્ષ પહેલા નહિ પરંતુ આ લોકો અવારનવાર મુંબઈ થી અમદાવાદ ડ્રગ્સ લઈને આવતા હોઈ શકે છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ત્રણેય ઉપર ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હાલ આ જથ્થો મુંબઈમાં કોણે આપ્યો હતો અને અમદાવાદમાં કોને આપવાનો હતો તે અંગે તપાસ કરી છે. આ ઉપરાંત તેઓ અગાઉ ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા હતા કે કેમ તે અંગે પણ હવે પોલીસ તપાસ કરી રહી છે.