અમદાવાદ એસઓજી દ્વારા વધુ એક વખત એક યુવતી સહિત ચાર લોકોને ડ્રગ્સ વેચતા પકડી પાડ્યા છે. પોલીસે માહિતીના આધારે ચાર લોકો જાહેરમાં ડ્રગ્સ વેચતા હતા તે દરમિયાન તેમને પકડી પાડ્યા છે. જોકે પોલીસે ચારેયની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ પણ થયા છે અને આ યુવતી પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોવાનું અને ઘણા સમયથી ડ્રગસ વેચતી હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં યુવાધનને બરબાદ કરતાં ડ્રગ્સ વેચાણના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ વેચતા ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે કે જેઓ શહેરના નરોડાના નાના ચિલોડા વિસ્તારમાં શિખર એવન્યુ પાસે જાહેરમાં ડ્રગ્સ વેચતા હતા. પોલીસે કાઝીમઅલી ઉર્ફે વસીમ સૈયદ, શબ્બીરમીયા ઉર્ફે જગો શેખ, નઈમુદીન સૈયદ અને વિશાખા ઉર્ફે રિવોલ્વર રાનીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ચારેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ વેચતા હતા અને આ ડ્રગ્સનો જથ્થો તેઓ શાહપુરના એક વ્યક્તિ પાસેથી લઈ આવ્યા હતા જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ચારેય આરોપીઓ ડ્રગ્સના બંધાણી છે તેને જ કારણે તેઓ ડ્રગ્સ વેચવા પણ લાગ્યા હતા. પોલીસે ચારેય પાસેથી કુલ 3 લાખથી વધુની કિંમતનો 31.640 ગ્રામ ડ્રગસનો જથ્થો પકડી પાડયો છે. પોલીસે પકડેલા ચાર આરોપીઓમાંથી વિશાખા ઉર્ફે રિવોલ્વોર રાની કે જે મૂળ રાજસ્થાનની છે અને તે ઘણા સમયથી ડ્રગ્સ વેચવાનું કામ કરતી હતી. વિશાખાની તપાસ કરતા તે બીકોમ એલએલબી સુધીનો અભ્યાસ કરેલો છે. વિશાખા કોલેજ સમયથી જ ડ્રગ્સ સેવન કરવાની આદતી બની ચૂકી હતી જે બાદ તે ડ્રગ્સ સેવન કરવાની સાથે સાથે વેચવા લાગી હતી. જોકે થોડા સમય પહેલાં ચાંદખેડામાંથી એસઓજી દ્વારા ડ્રગસ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી તેમાં પણ વિશાખાનું નામ સામે આવ્યું હતું. વિશાખાના પરિવાર દ્વારા પોલીસને એક ઈમેલ મારફતે વિશાખા ડ્રગ્સની આદત ધરાવતી હોવાનું અને ડ્રગ્સ વેચતી હોવાનું માહિતી આપી હતી જેને કારણે પણ પોલીસ વિશાખાને છેલ્લા ચાર પાંચ મહિનાથી શોધતી હતી અને આખરે વિશાખા જાહેરમાં ડ્રગ્સ વેચતી પોલીસના હાથે પકડાઈ ચૂકી છે. વિશાખાએ થોડા સમય પહેલા પોતાનો એક રિવોલ્વર સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો જેને લઈને તેનું નામ રિવોલ્વર રાની પણ પડ્યું હતું. હાલ તો પોલીસે જાહેરમાં ડ્રગ્સ વેચતા ચારેયની ધરપકડ કરી ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી કરી છે. આરોપીઓએ આ ડ્રગ્સનો જથ્થો જે વ્યક્તિ પાસેથી મંગાવ્યો છે તેની પોલીસ હવે શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત પોલીસને એ પણ શંકા છે કે વિશાખા કોલેજમાં લાંબા સમય સુધી અભ્યાસ કર્યો છે જેથી વિદ્યાર્થીઓના સંપર્કમાં હોવાથી ત્રણેય લોકો યુવાનોને તેમજ કોલેજના વિદ્યાર્થીઓને પણ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરતા હશે જેને લઈને પણ પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.