ઉત્તરપ્રદેશમાં રામમંદિર હવે થોડા જ મહિનામાં બનીને તૈયાર થઇ જશે. ઉત્તર પ્રદેશમાં રામમંદિર નિર્માણની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ એક કલાકાર દ્વારા રામ મંદિરનું મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. લોકો આ રામ મંદિરના મોડેલને દિવાળીની ભેટ તરીકે તેમના પરિવાર અને મિત્રોને આપી શકે તે માટે તૈયાર કરવામાં આવ્યું છે. લોકો વાર તહેવારમાં ખાસ કરીને દિવાળીના સમયમાં પોતાના પરિવારજનો અને મિત્રોને કોઈને કોઈ ભેટ આપતા હોય છે. ત્યારે આ વખતે લોકો રામ મંદિરનું મોડેલ પોતાના પરિવાર અને મિત્રોને આપી શકે તે માટે સુરતમાં આબેહુબ રામમંદિરનું મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુરતમાં હંસ આર્ટ સાથે સંકળાયેલા આર્ટીસ્ટ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. તેઓ મૂળ પક્ષીઓને બચાવવાનું અભિયાન ચલાવી રહેલી સંસ્થા સાથે જોડાયેલા છે. આર્ટીસ્ટ પરેશ પટેલે રામ મંદિરના મોડેલ વિશેની માહિતી આપતા જણાવ્યું હતુ કે આ દિવાળી માટે અમારી સંસ્થાએ કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું. તેથી અમે રામ મંદિરની તર્જ પર રામ મંદિરનું મોડેલ બનાવી રહ્યા છીએ. જેથી લોકો તેને દિવાળી અને અન્ય તહેવારોમાં મિત્રો અથવા પરિવારજનોને ભેટ આપી શકે. પરેશ પટેલના જણાવ્યા અનુસાર આ રામમંદિર મોડલ માટે અત્યાર સુધીમાં 300થી 400 ઓર્ડર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉતરપ્રદેશમાં રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને તેની તડામાર તૈયારીઓ થઇ રહી છે ત્યારે આ ઉતરપ્રદેશમાં બનનારા રામ મંદિરનું આબેહુબ મોડેલ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે.