ટેસ્લાએ 7 ઑગસ્ટનાં ઘોષણા કરતાં પોતાના નવા CFO ની નિમણૂક કરી છે. 13 વર્ષથી કંપની સાથે સંકળાયેલા જાચરી કિરખોર્નની જગ્યાએ હવે ભારતીય મૂળનાં વૈભવ તનેજા કંપનીનાં નવા ચીફ ફાઈનેંશિયલ ઑફિસર CFO બનશે. વૈભવ આ પહેલાં ટેસ્લામાં ચીફ એકાઉંટિંગ ઓફિસર CAO હતાં. વૈભવ તનેજાએ 1996થી 1999ની વચ્ચે દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 1997થી 2000 સુધી તેમણે ઈંસ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉંટેંટ્સ ઓફ ઈન્ડિયાથી CAનું ભણતર કર્યું. તેમણે 2017માં ટેસ્લા સાથે કામ શરૂ કર્યું ત્યારે તે સોલાર એનર્જીની કંપની સોલારસિટીની સાથે કામ કરતાં હતાં. ટેસ્લાએ સોલારસિટી ખરીદી લીધી હતી. સોલારસિટી પહેલા વૈભવ બિગ ફોર ફર્મ પ્રાઈસ વૉટર્સ હાઉસ કૂપર્સની PwC સાથે કામ કરતાં હતાં. તેમની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર વૈભવે PwCમાં 17 વર્ષ કામ કર્યું. માર્ચ 2016 બાદ તેમણે સોલારસિટીની સાથે કામ કરવાનું શરૂ કર્યું. વૈભવ ફેબ્રુઆરી 2017થી મે 2018ની વચ્ચે ટેસ્લામાં અસિસ્ટેંટ કોરપોરેટ કંટ્રોલર હતાં જે બાદ મે 2018થી કોરપોરેટ કંટ્રોલરનાં પદ પર પહોંચ્યાં. આ સાથે જ માર્ચ 2019માં તેઓ કંપનીનાં CAO બન્યાં. વૈભવ જાન્યુઆરી 2021માં ટેસ્લાની ભારતીય બ્રાંચ- ટેસ્લા ઈંડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડનાં ડાયરેક્ટર બન્યાં. મીડિયા રિપોર્ટસ્ અનુસાર જાચરી કિરખોર્ન આ વર્ષનાં અંત સુધી કંપનીનાં CFO રહેશે અને આવતાં વર્ષથી વૈભવ જવાબદારી સંભાળશે. આ દરમિયાન વૈભવ તનેજા આ પદનાં તમામ કામ સમજશે. કિરખોર્ને આ વાતની જાણકારી આપતાં પોતાના લિંક્ડઈન પર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું કે,’ ટેસ્લાનો હિસ્સો બનવું એક ખાસ અનુભવ છે. હું 13 વર્ષ પહેલાં આ કંપનીમાં જોડાયો હતો અને ત્યારથી અત્યારસુધી અમે જે એકસાથે કામ કર્યું છે મને તેના પર ગર્વ છે. હું ટેસ્લાનાં તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરું છું.’