ગાંધીનગરના માણસા પોલીસ મથકનાં ડી સ્ટાફનો આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર મૂકેશસિંહ અણદુસિંહ વાઘેલા 60 હજારની લાંચનાં છટકામાં એસીબીના સકંજામાં આવી જતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે દારૂના ગુનામાં આરોપીને નહીં મારવાનાં અને જામીન ઉપર છોડી દેવાની અવેજીમાં વહીવટદાર મૂકેશસિંહે વાઘેલા 60 હજારની લાંચ માંગી હતી.
ગાંધીનગર માણસા પોલીસ મથકનો આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર એસીબીની ટ્રેપમાં આબાદ રીતે ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. માણસા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં આરોપીને માર નહીં મારવાનો અને જામીન ઉપર છોડી દેવાની અવેજીમાં એ.એસ.આઈ મૂકેશસિંહે આરોપીના ભત્રીજા પાસે 60 હજારની લાંચ માંગવામાં આવી હતી.
જેનાં પગલે આરોપીના ભત્રીજાએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના પગલે એસીબીના મદદનીશ નિયામક આશુતોષ પરમારનાં સુપરવિઝન હેઠળ ગાંધીનગર એસીબી પોલીસ મથકના પીઆઈ એચ બી ચાવડાએ પોતાની ટીમ સાથે વાવ દરવાજા તરફ જવાના રોડ ઉપર આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસની આગળ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું.
ત્યારે અગાઉથી નક્કી થયા મુજબ દારૂના ગુનાના આરોપીનો ભત્રીજો એ.એસ.આઈ મૂકેશસિંહને મળ્યો હતો. અને ઔપચારિક વાતચીતનાં અંતે લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ મૂકેશસિંહને દબોચી લીધો હતો. ત્યારે એસીબી ત્રાટકી હોવાના મેસેજ જિલ્લામાં વહેતા થતાં જ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ આ મામલે એસીબી આગામી સમયમાં મોટો ધડાકો કરે તો નવાઈ નહીં.