ગાંધીનગરમાં વધી રહેલી ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ સામે પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જે અન્વયે મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે બાઈક – પીસીઆર વાનમાં પોલીસ રાઉંડ ધ કલોક પેટ્રોલીંગ કરશે. ઉપરાંત શહેરનાં મહત્ત્વના જાહેર સ્થળોએ પોલીસ ખાનગી ડ્રેસમાં તૈનાત કરીને જિલ્લા બહારના પરપ્રાંતીયોનો ડેટા તૈયાર કરી ગુનાહિત ઇતિહાસ પણ ચકાસવામાં છે. આજે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે એક્શન પ્લાન તરતો મૂકીને કહ્યું હતું કે, ગાંધીનગરમાં મિલ્કત સંબંધી ગુનાઓ આચરતા ગુનેગારોને પોલીસની હાજરીનો અહેસાસ કરાવવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ અને વાહન ચોરીનાં બનાવો અટકાવવા માટે રેન્જ આઇજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં બહારથી આવીને વસવાટ કરતાં પરપ્રાંતિયોનો ડેટાબેઝ તૈયાર કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા દોઢેક દાયકથી ગાંધીનગરમાં બી – રોલ ભરવાની કામગીરી પણ બ્રેક લાગી ગઈ હતી. જેનાં કારણે જિલ્લામાં બહારથી આવેલા પરપ્રાંતીયોનો ડેટા જ પોલીસ પાસે નહોતો.
હવેથી પોલીસ દ્વારા શહેરની ઝૂંપડપટ્ટી તેમજ કન્સ્ટ્રક્શન સાઇટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પોલીસ બહારથી આવેલા પરપ્રાંતીયોનો એક ડેટા તૈયાર કરીને તમામના ગુનાહિતની ચકાસણી કરશે. ઉપરાંત દર મહિને પોલીસનો લોક દરબાર પણ યોજવામાં આવશે. આ અંગે આજે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગુનેગારોને પોલીસની હાજરીનો અહેસાસ થાય એ રીતે પોલીસને એક્ટિવ કરવામાં આવશે.
ગાંધીનગરમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા બાઈક તેમજ પીસીઆર વાનમાં રાઉંડ ધ કલોક પેટ્રોલીંગ કરશે. તેમજ વાહન ચોરીના ગુનાઓ અટકાવવા મહત્ત્વના જાહેર સ્થળોએ પોલીસ ખાનગી ડ્રેસમાં તૈનાત રહી બાઝ નજર રાખશે. નાઈટ પેટ્રોલીંગ સઘન કરીને બાતમીદારોને પણ સક્રિય રીતે એક્ટિવ કરવામાં આવશે.
તદુપરાંત ગુનાહિત ઈતિહાસ ધરાવતા ગુનેગારોની હાલની પ્રવૃતિઓ ઉપર પણ વોચ રાખી જરૂરી પૂછતાંછ પણ પોલીસ કરશે. તેમજ સીસીટીવી કેમેરાથી શહેરમાં સઘન સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવશે. આમ ગાંધીનગર જિલ્લામાં ગુનો આચરતાં ગુનેગારોને પોલીસની હાજરીનો સતત અહેસાસ થાય એ રીતે પોલીસ એક્ટિવ કરવામાં આવશે.