એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અહીં પ્રધાન જ જાહેરમાં દેશી દારૂ પીતા જોવા મળ્યા છે? નર્મદાના ડેડિયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ હતો. કૃષિપ્રધાન રાઘવજી પટેલ સહિત અહીં નેતાઓ હાજર રહ્યા હતા. જો કે રાઘવજી પટેલ અહીં જાહેરમાં દેશી દારૂ પીતા જોવા મળ્યા હતા. જો કે તેમણે અજાણતા આ ભૂલ કરી હોવાનું જણાવ્યુ છે. ઘટના કંઇક એવી છે કે ડેડિયાપાડામાં ધરતીમાતાની પૂજાની વિધિ થઈ રહી હતી, ત્યારે પડિયામાં દેશી દારૂ અભિષેક કરવા માટે તમામને આપવામાં આવ્યો હતો. પ્રધાન રાઘવજી પટેલને પણ પડિયામાં દારૂ અપાયો હતો. જો કે તેમણે દેશી દારુનો અભિષેક કરવાને બદલે પોતે પી ગયા હતા. ત્યાર બાદ બાજુમાં જ ઉભેલા નેતાએ તેમને સમજ આપી કે, આ તો અભિષેક કરવા માટે દેશી દારૂ છે, ત્યારે જઈને રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાઈ. જ્યારે પત્રકારોએ તેમને આ સવાલ પૂછ્યો, ત્યારે તેઓ હસી પડ્યા હતા. મહત્વનું છે કે આદિવાસીઓની પૂજાની કેટલીક પરંપરાઓ છે. જેમાં ઘણીવખત દેશીદારૂનો પણ ઉપયોગ થાય છે. જો કે, આદિવાસીઓના આ રિવાજોથી સૌ કોઈ જાણકાર નથી હોતું. રાઘવજી પટેલ સાથે પણ કંઈક આવું થયું. તેમણે સ્વીકાર્યું પણ ખરું કે, તેમને આ રિવાજની જાણ ન હતી.