ગાંધીનગરના અડાલજ શિવ પુરી હૂડકો પાસે ગુડા આવાસમાં રહેતો ભરતસિંહ લક્ષ્મણજી રાજપુત નિરમા યુનિવર્સિટીની બાજુમાં આવેલી એટીએસની ઓફિસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ગત તા. 1/8/2023 ના રોજ ભરતનાં મોબાઇલ ઉપર કોઈ અજાણ્યા ઈસમે ફોન કરીને ખાનગી બેંકમાંથી બોલતો હોવાની ઓળખાણ આપી હતી.
બાદમાં તેણે ભરતને બેંક એકાઉન્ટ સાથે પાનકાર્ડ લિંક કરવાની વાત કરી હતી. જેનાં પગલે ભરતે પોતાનો પાન કાર્ડ નંબર અજાણ્યા ઈસમને આપી દીધો હતો. જેની થોડી મિનિટોમાં જ તેના મોબાઈલ ઉપર મેસેજ આવેલો કે, બેંક એકાઉન્ટમાંથી 25 હજાર અને 16 હજાર પેટીએમ વોલેટથી કપાઈ ગયા છે. આ જોઈ ભરત ચોંકી ઉઠયો હતો અને બંને મેસેજ બરોબર વાંચી રહ્યો હતો.
એ દરમ્યાન ફરી એક મેસેજ આવેલો જેમાં તેના બેંક એકાઉન્ટમાં 3 લાખ 85 હજાર 034 નું બેલેન્સ જમા થયું છે. જે મેસેજ ભરત ધ્યાનથી વાંચી રહ્યો હતો. એટલામાં તેની બહેનનો ફોન આવ્યો હતો. જેણે 41 હજાર ટ્રાન્સ્ફર કરવાનું કહ્યું હતું. ત્યારે સવારે જ સેલેરી જમા થઈ હોવાથી ભરતે ફોન-પે થી તેની બહેનને પૈસા મોકલી આપ્યા હતા.
બાદમાં તેના ખાતામાંથી તબક્કાવાર રૂ. 1.88 લાખ અને ત્રણ વખત રૂ. 49500 એમ કુલ ચાર વાર પૈસા કપાઈ ગયા હતા. આ મામલે તેણે તપાસ કરતા તેના નામે બેંક ખાતામાંથી પર્સનલ લોન થઈ હોવાનું માલુમ પડયું હતું. આ જાણીને ભરત પણ ચકરાવે ચડયો હતો. આથી તેણે વિગતવાર બેંકમાં તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે, અજાણ્યા ઈસમે તેના ખાતામાંથી પર્સનલ લોન કરી હતી અને નવું ઈમેલ આઈડી બનાવી ભરતનાં ખાતામાં પહેલા પૈસા ડિપોઝીટ કર્યા હતા. બાદમાં પેટીએમ વોલેટથી ઉપાડી પણ લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં થયેલી ફરીયાદના આધારે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.