ગાંધીનગરના સેકટર – 21 માં આવેલી ધ બીસ્ટ હાઉસ નામની ગારમેન્ટની દુકાનમાં અંદાજીત 70 નંગ જીન્સનાં પેન્ટ તેમજ 60 નંગ ટી શર્ટ તેમજ 55 નંગ શર્ટની ચોરી કરનાર બે ઈસમો કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ મામલે ગણતરીના કલાકોમાં જ એલસીબીએ દુકાનમાં અગાઉ નોકરી કરતાં બે પૂર્વ કર્મચારીઓને ઉઠાવી લઈ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.
ગાંધીનગરના અડાલજ પાર્શ્વનાથ હોમ્સમાં રહેતા ગાર્વિનકુમાર દિનેશકુમાર પરમાર સેકટર-૨૧ ખાતે રેડીમેડ ગારમેન્ટ ધ બીસ્ટ હાઉસ કપડાની દુકાન ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગઈકાલે અગિયાર વાગ્યાના અરસામાં તેમના નાના ભાઈ કેયૂરે ફોન કરીને દુકાનમાં કપડાંની ચોરી થઈ હોવાની જાણ કરી હતી.
જેનાં પગલે ગાર્વિનકુમાર દુકાને દોડી આવ્યા હતા. અને દુકાનમાં તપાસ કરતા સામાન અસ્ત-વ્યત પડેલ છે. અને દુકાનમાં રાત્રે કોઇ આવ્યું હોવાનું માલુમ પડયું હતું. આથી તેમણે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં રાતના 3.30 થી થી 4.20 સુધી કેમેરા બંધ હોવાનુ બહાર આવ્યુ હતું. બાદમાં તેમણે દુકાનમાં વધુ તપાસ કરતાં અંદાજીત જીન્સ પેન્ટ નંગ- 70 તથા શર્ટ નંગ-55 તથા ટીશર્ટ નંગ- 60 મળીને કુલ રૂ. 1.20 લાખના કપડાં ચોરાઈ ગયાનું જાણવા મળ્યું હતું.
જેનાં પગલે દુકાનની આસપાસની અન્ય દુકાનોના સીસીટીવી કેમેરા ચેક કરતા એક ઇલેક્ટ્રિકના ગોડાઉનના કેમેરામાં બે ઇસમો રાત્રીના 3.55 વાગે ગાર્વિનકુમારની ધ બીસ્ટ હાઉસ દુકાનનું શટર ડુપ્લીકેટ ચાવીથી ખોલી અંદર પ્રવેશ કરતા આબાદ રીતે કેદ થઈ ગયા હતા. આ મામલે સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં જ લોકલ ક્રાઇમ બ્રાંચે સીસીટીવીની ઝિણવટપૂર્વક ચકાસણી કરી હતી.
જેમાં ચોરીને અંજામ આપનાર ઉક્ત દુકાનમાં ત્રણેક મહિના અગાઉ નોકરી કરતા બે પૂર્વ કર્મચારીઓની સીધી સંડોવણી બહાર આવી હતી. જેનાં પગલે એલસીબીએ બંન્ને ઈસમોને ઉઠાવી લઈ કડકાઈથી પૂછતાંછ કરતાં તેઓએ દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જો કે હાલમાં એલસીબી બંનેએ અન્ય દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે કે નહીં તેની ઊંડાણપૂર્વક વધુ પૂછતાંછ હાથ ધરી છે.