ખોટા જોબકાર્ડ, નકલી બીલો,બનાવટી કામગીરી દર્શાવી લાખો-કરોડો રૂપિયાના મનરેગાના કામો માત્ર કાગળ ઉપર થઈ રહ્યાં છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર
અમદાવાદ
ગુજરાતમાં ‘સુનિયોજિત રીતે ચાલતા’ કરોડો રૂપિયાના મનરેગાના કૌભાંડને ખુલ્લું પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરએ જણાવ્યું હતું કે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની ગેરંટી આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર -‘મનરેગા’નો કાયદો લાવવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક રોજગારી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો પરંતુ ખોટા જોબકાર્ડ, નકલી બીલો,બનાવટી કામગીરી દર્શાવી લાખો-કરોડો રૂપિયાના મનરેગાના કામો માત્ર કાગળ ઉપર થઈ રહ્યાં છે.
• મનરેગા કાયદામાં ૧૦૦ દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે જ્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મનરેગા કાયદા હેઠળ સરેરાશ માત્ર ૪૧થી ૪૫ દિવસની રોજગારી આપવામાં આવે છે જે રાષ્ટ્રીય સરેરાશ રોજગારી કરતા પણ ઓછી છે.
• ચેકવોલ, માટી મેટલ અને કુવા જેવા અગત્યના કામોમાં માત્ર કાગળીયા પર કામગીરી થઈ રહી છે. સર્વે નંબર પર સ્થળ પર કોઈપણ પ્રકારની વાસ્તવિક કામગીરી ન હોવા છતાં લાખો રૂપિયાના બીલો બારોબાર જોબકાર્ડ બનાવી ભાજપના મળતીયાઓ દ્વારા સુનિયોજત રીતે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
• પંચમહાલના શહેરા તાલુકાના ઉજડા ગામના સર્વે નંબર ઉપર કોઈપણ પ્રકારની ચેકવોલ, કુવો કે અન્ય કામગીરી ન હોવા છતાં લાખો રૂપિયાના બીલ ચુકવવામાં આવ્યાં છે.
• જ્યાં છ મહિના પહેલા જે સ્થળે કાગળ ઉપર ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે જ સ્થળે ફરીથી કાગળ ઉપર કુવો બનાવવાનું ધુપ્પલ ચાલી રહ્યું છે.
• પેમેન્ટ શીટમા દર્શાવેલ શ્રમિકોએ કોઈ દિવસ કામ માટે અરજી પણ કરી નથી, મનરેગામા કામ પણ કર્યુ નથી મનરેગાની સાઈટ પણ જોઈ નથી. વધુમાં એ જગ્યા ઉપર કોઈ કામ જ થયેલ નથી, પંરતુ આ લોકોના જોબકાર્ડ બની ગયા, ખાતા ખુલી ગયા અને એમના ખાતામા લાખો રૃપિયાના પેમેન્ટ પણ થઇ ગયા અને ઉપડી પણ ગયા.
• સમગ્ર દેશભરમાં અને ગુજરાત રાજ્યમા મનરેગા યોજનાના હેઠળ ઘણા બધા ગરીબ – શ્રમિક પરિવારો મહેનત કરી ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ આ ‘સુનિયોજીત કૌભાંડ’ને કારણે ખરેખર જે ગરીબ છે એમને કામ આપવામા નથી આવતુ, લોકોના ખોટા એકાઉન્ટો બનાવીને પૈસા ઉપાડી લેવામા આવે છે.
• પંચમહાલનાં માત્ર એક તાલુકામાં એક ગામમાં જ ૪૦ લાખથી વધુનું સુનિયોજિત રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આખા જિલ્લામાં કેટલી મોટા પ્રમાણમાં ચાલતું હશે? સમગ્ર રાજ્યમાં કેટલું મોટું કૌભાંડ ચાલતું હશે તે ચિંતાનો વિષય છે
• એક માત્ર શહેરા તાલુકમાં ૯૧ જેટલા ગામ આવેલ છે.
• જો એક માત્ર ગામ માં આ પ્રકારના લાખો રૂપિયાનું કૌભાંડ થતું તોય તો ખોટા જોબકાર્ડ, નકલી બીલો, બનાવટી કામગીરીને જોડતા શહેરા તાલુકા અને વિધાનસભામાં લગભગ આંકડો ૨૦૦ કરોડને આંબી જાય તો નવાઈ નઈ. આ એક જગ્યાની છે આવું સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાનું સુનિયોજિત કૌભાંડની તટસ્થ તપાસ થવી જોઈએ.
• ભ્રષ્ટાચારમાં કેટલા ભૂતિયા, ખોટા જોબકાર્ડ બનાવવામાં આવ્યા છે? કેટલા સાચા જોબ કાર્ડ છે અને કેટલા બંધ થઈ ગયા છે તે ભાજપ સરકાર જણાવે.રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષનાં શ્રી ભગીરથસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.