અમદાવાદના બાવળા – બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે તેમજ 10થી પણ વધુ લોકો સારવાર હેઠળ છે. ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના પગલે PM, મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે.
પીએમઓએ અકસ્માત મામલે સહાયની જાહેરાત કરી દુખ વ્યક્ત કર્યું છે. PMએ ટ્વીટ કરી લખ્યું છે કે, અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર બનેલી માર્ગ દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના તેમજ ઈજાગ્રસ્ત જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. રૂપિયા 2 લાખ મૃતકના પરિવારજનોને તેમજ ઘાયલોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માતની ઘટનાને પગલે CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, મારી સંવેદનાઓ સર્વ પરિવારજનો સાથે છે. જેમણે આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે એમનાં દિવંગત આત્માને પરમપિતા પરમેશ્વર શાંતિ પ્રદાન કરે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ અકસ્માતના પગલે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરી છે કે, આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સદગતને શ્રદ્ધાંજલિ અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના. અમદાવાદ થી રાજકોર હાઇવે ઉપર બ્રિજ અને રસ્તાના રિપેરીંગના કામો લાંબા સમયથી ચાલી રહ્યા છે જેના કારણે પણ આ હાઇવે જોખમી બનેલ છે. સરકાર આ બાબત ગંભીરતાથી લેશે તેવી વિનંતી.