પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરો એવી માંગ હાલ ગુજરાતમાં ઉઠી છે. સમાજની દીકરી ખોટા રસ્તે ન જાય અને તેને અટકાવવા હવે આ મંજૂરી માટે કાયદો લાવવાની સરકાર સામે માંગ ઉઠી છે. ત્યારે આ વિચારણા વચ્ચે સુરતમાં એક પાટીદાર યુવતીએ આત્મહત્યા કરીને મોત વ્હાલું કર્યું છે. વાલીની મંજૂરી વગર થયેલા પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. સુરતના ડુમસમાં 21 વર્ષીય પાટીદાર પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. લગ્નના એક વર્ષમાં જ સાસરીયાઓએ ત્રાસ આપતા તેણે આપઘાત કર્યા હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ગવિયર વિસ્તારમાં રહેતા પટેલ પરિવારમાં એકની એક દીકરી કરીના પટેલ હતી. 21 વર્ષીય કરીનાએ એક વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ કિશન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. કરીના પરિવારની લાડલી હતી, અને સોશિયલ મીડિયના માધ્યમથી તે કિશન પટેલના સંપર્કમાં આવી હતી. તેના પરિવારજનોને આ પ્રેમ મંજૂર ન હતો. તેથી તેણે એક વર્ષ પહેલા ભાગીને કિશન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ મહિના બાદ કરીનાને તેના પિયર પક્ષના લોકોએ રાજીખુશીથી બોલાવી હતી. તેના બાદ તે તેના પિયરમાં આવવા-જવા લાગી હતી. પરંતુ બીજી તરફ, કિશન કોઈ કામધંધો કરતો ન હતો. તેથી તે કરીનાને તેના માતાપિતા પાસેથી રૂપિયા લાવવા દબાણ કરવા લાગ્યો હતો. તે કરીનાને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. કિશન ઘરમાં રૂપિયા લાવતો ન હોવાથી કરીનાને ઘર ચલાવવામાં પણ ફાંફા પડી ગયા હતા. તેથી માનસિક રીતે ભાંગી ગયેલી કરીનાએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ વાતની જાણ થતા જ તેના માતાપિતા દોડતા આવ્યા હતા. તેઓએ કરીનાના પતિ કિશન પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. કરીનાના ભાઈ નિરવ પટેલે કિશન સામે આરોપ મૂક્યો કે, કરીનાને સાસરિયાં દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હોવાથી મારી બહેને આપઘાત કર્યો છે. વધુમાં નીરવ પટેલે જણાવ્યું કે, મારી પોલીસ અને સરકાર પાસે એક જ માગ છે કે, આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે. આ સાથે પોલીસને એક અપીલ કરું છું કે, આવું કોઈ અન્ય છોકરી સાથે ન બને તે માટે પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવો.