પેરિસમાં એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બોમ્બની માહિતી મળ્યા બાદ એફિલ ટાવરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એફિલ ટાવરને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને શોધખોળ ચાલુ છે.
શનિવારે એવી માહિતી મળી હતી કે, પેરિસના એફિલ ટાવર પર થોડા કલાકોમાં બોમ્બ વિસ્ફોટ થશે. માહિતી બાદ એફિલ ટાવરના ત્રણ માળને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાતોની સાથે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. એક રેસ્ટોરન્ટમાં બોમ્બ સંતાડવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. આ પછી તમામ લોકોને ટાવર છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ સહિત સમગ્ર ટાવરમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી કોઈ પણ પ્રકારનો બોમ્બ મળવાની માહિતી મળી નથી.
ઘટના અંગે પ્રવક્તાએ માહિતી આપી હતી કે, શનિવારે બપોરે લગભગ 1.30 વાગ્યે એફિલ ટાવરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ તરત જ પ્રવાસીઓને સ્મારકની નીચેના ત્રણેય માળ અને ચોક ખાલી કરવા કહેવામાં આવ્યું હતું. એફિલ ટાવરના દક્ષિણ પિલર પર પોલીસ સ્ટેશન છે.
આવી સ્થિતિમાં, જો કોઈને એફિલ ટાવરની મુલાકાત લેવી હોય, તો તેણે કડક સુરક્ષા દેખરેખમાંથી પસાર થવું પડશે. પોલીસ સ્ટેશન હોવાને કારણે અહીં દરેક સમયે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત રહે છે. તપાસ દરમિયાન પ્રવાસીઓએ વીડિયો સર્વેલન્સમાંથી પસાર થવું પડે છે. જેના કારણે પ્રવાસી પાસે શું છે તેની માહિતી મળી રહે છે.