કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે આજે ગાંધીનગર તાલુકાના રાંધેજા અને સરઢવ ખાતે જનસુખાકારી માટેના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. રાંધેજા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે રૂપિયા ૪૦ કરોડના ખર્ચે રાંધેજા-બાલવા રોડને ચાર માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગ બનવાથી માણસાથી ગાંધીનગર જતાં લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે તેમજ સુલભતાભર્યો વાહનવ્યવહાર બનશે.
બાદમાં કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઇ શાહે રાંધેજા ખાતેની શેઠ શ્રી એન. એન. પટેલ સાર્વજનિક હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહના નવીનીકરણ માટે ખાતમુહુર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે સંબોધન કરતાં કહ્યું હતું કે શેઠ શ્રી એન. એન. સાર્વજનિક હોસ્પિટલ એ શેઠશ્રી નાથાલાલ નગરદાસ શાહનું લોક કલ્યાણ માટેનું સ્વપ્ન હતું. જે તે સમયે આ હોસ્પિટલના નિર્માણ થકી તેમણે સેવાયજ્ઞ ચલાવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા ચાલતી આ હોસ્પિટલો સુવિધામય બને તે માટે દાતાઓ આગળ આવ્યા છે. આ હોસ્પિટલ થકી આસપાસના ગરીબોના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી તકલીફો દૂર થઈ છે. આરોગ્ય ક્ષેત્રની જરૂરિયાત પ્રમાણે હવે આ હોસ્પિટલોને આધુનિક બનાવવા માટે લોકોએ દાન કર્યું છે તે આવકારદાયક છે. આ પ્રસંગે તેમણે નાથાભાઈના પ્રયાસથી શરૂ થયેલ આ હોસ્પિટલ આજીવન ચાલુ રહે અને લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપે તેવી મહેચ્છા વ્યક્ત કરી હતી અને સૌ ટ્રસ્ટીઓ અને ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. અને દાતાશ્રીઓ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઇ શાહ સરઢવ ગામની જનતાનગર પ્રાથમિક શાળાના આંગણવાડીના ભૂલકાઓને મળ્યા હતા. અહી તેમણે આંગણવાડીના નાના ભૂલકાઓને રમકડાંઅને રમતગમતના સાધનો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે બાળકો સાથે સીધો સંવાદ સાધીને ભણતા રહેવાની હેતભરી વાત કરી હતી. ત્યારબાદ આત્મા ગામડાનો સુવિઘા શહેરની તેવા શ્રેષ્ઠ ભાવ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે સરઢવ ગામ ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શશીકલા ઉદ્યાનને ગ્રામજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે સરઢવ ગામની રેવાબાઈ જનરલ હોસ્પિટલના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું અને પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લોકોએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને વધાવ્યા હતા. કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર કલેક્ટરશ્રી હિતેશ કોયા, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, પૂર્વ મેયરશ્રી મહેન્દ્રસિંહ રાણા, ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખશ્રી રૂચિર ભટ્ટ અને કોર્પોરેટરો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.