લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવી ગયો છે. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ બાખડી પડ્યાં હતા. જામનગરના લાખોટા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા, ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ અને ભાજપના જ મેયર બીનાબેન કોઠારી સહિત અન્ય ભાજપના અગ્રણીઓ અને નેતાઓ હાજર હતા ત્યારે કોઈક વાતે બાજી બગડતા ધારાસભ્ય રિવાબાએ મેયર બીનાબેન કઠારી અને સાંસદ પૂનમબેન માડમને બધાની સામે ખરી ખોટી સંભળાવી દીધી હતી. ધારાસભ્ય રિવાબા જાડેજાએ પહેલાં મેયરને ખખડાવતા કહ્યું હતું કે, ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવા જાય છે.