ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી થવા બદલ અભિનંદન પાઠવ્યા
અમદાવાદ
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનીકને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી તરીકે સોંપાયેલ જવાબદારીને આવકારતા સાથે રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વને અનુભવી, નિષ્ઠાવાન અને પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચુકેલ અને લાંબા સમયથી એ.આઈ.સી.સી.ના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળતા મુકુલને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી તરીકે કરેલી નિમણુંકને ગુજરાત કોંગ્રેસ આવકારે છે અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માને છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજની ગુજરાત ની સ્થિતિ એવી કે મુઠ્ઠીભર લોકો માલામાલ થઇ રહ્યા છે, મોંઘવારીએ માજા મુકી છે બેરોજગારી અતિ વધી છે. મુખ્યમંત્રી સાથે ફોટો પડાવવાનાર નો છોકરો ગાડી લઇને નિકળે અને લોકોને કચડી નાખે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દેશમાં મોંઘવારી નો માર છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ રોજ વધી રહ્યાં છે. ૨૦૧૩-૧૪માં ગેસ નો બાટલો ૪૦૦ માં હતો આજે ૧૧૦૦ ની ઉપર ભાવ છે બ્રિજ નાં ઉદઘાટન પેહલા એ તૂટી જાય છે. ક્યાંક અન્યાય થયો હોય તો તેની સાથે કોંગ્રેસ પક્ષ ધર્મ-જાતિ નહિ જોઈએ અને અંત સુધી લડશું આશા વર્કર, આંગણવાડી બહનો નાં અનેક પ્રશ્નો છે. સરકાર નજીવુ વેતન ચુકવી આર્થિક શોષણ કરી રહી છે.
ગુજરાતની જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ગુજરાતીઓમાં અને ગુજરાત ના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનીકને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી તરીકે સોંપાયેલ જવાબદારીને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, જગદીશભાઈ ઠાકોર, વરિષ્ઠ આગેવાન મધુસુદન મિસ્ત્રી, દિપક બાબરીયા, સાંસદ નારણભાઈ રાઠવા, ડૉ. અમીબેન યાજ્ઞિક, ડૉ. તુષાર ચૌધરી, કદીર પીરઝાદા, સોનલબેન પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશ ધાનાણી, સુખરામભાઈ રાઠવા સહિતના તમામ પદાધિકારીઓ અને કાર્યકરોએ આવકારીને અભિનંદન પાઠવ્યાં છે.