છત્તીસગઢ – મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આપ પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે શનિવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક જાહેર કાર્યક્રમમાં લોકોને વીજળી, શિક્ષણ, આરોગ્ય સહિત 10 ગેરંટી આપી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ મહિનામાં કેજરીવાલની ચૂંટણી રાજ્યની આ ત્રીજી મુલાકાત છે.
કાર્યક્રમને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે અહીં આમ આદમી પાર્ટીના કાર્યક્રમ માટે કેટલાક હોલની પરવાનગી માંગવામાં આવી હતી, જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. આ વખતે તમે સરકાર જ રદ કરી દો. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, જો આપની સરકાર બનશે તો છત્તીસગઢમાં 24 કલાક વીજળી મળશે. દિલ્હી અને પંજાબ બાદ છત્તીસગઢમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. છત્તીસગઢમાં નવેમ્બર સુધીના જૂના બાકી વીજ બિલો માફ કરવામાં આવશે.
આ લોકો તમારા બાળકોને અભણ રાખવા માંગે છે. પણ હું તેમના સારા શિક્ષણની ગેરંટી લઉં છું. છત્તીસગઢની સરકારી શાળાની હાલત ખરાબ છે. છત્તીસગઢમાં 10મા ધોરણમાં એક શિક્ષક છે. સરકારી શાળાઓને ભવ્ય બનાવવામાં આવશે, ખાનગી શાળાઓની લૂંટ અને ગુંડાગીરી બંધ થશે. સરકારી હોસ્પિટલોમાં ન તો ટેસ્ટ કે દવાઓ ઉપલબ્ધ છે. દિલ્હીની કોઈપણ હોસ્પિટલમાં મફત સારવાર મળે છે. છત્તીસગઢના દરેક ગામ અને ગલીઓમાં ક્લિનિક ખોલવામાં આવશે. સરકારી હોસ્પિટલોને લક્ઝુરિયસ બનાવવામાં આવશે અને સારવાર મફત કરવામાં આવશે.
દિલ્હીમાં 12 લાખ ખાનગી નોકરીઓ અને 2 લાખ સરકારી નોકરીઓ આપી. છત્તીસગઢમાં દરેક બેરોજગારને દર મહિને 3000 રૂપિયાનું ભથ્થું મળશે. લાંચ અને ભલામણ વગર સરકારી નોકરી આપીશું. 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને તેમના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ભાજપે તાજેતરમાં જ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં એમપીમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા જ 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.