હાલમાં સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર 2’ની ચારે તરફ ધૂમ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ અનિલ શર્માની વર્ષ 2001માં આવેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સીક્વલ છે, જેમાં પાકિસ્તાન અને ભારતના ભાગલાના દર્દ અને તકલીફ વચ્ચે લવસ્ટોરીને દર્શાવાઈ છે. જોકે, આજે આપણે તેના વિશે વાત નથી કરવાના, પરંતુ આપણે અસલી ‘ગદર’ હીરો બૂટા સિંહની વાર્તા વિશે વાત કરીશું. વાસ્તવમાં બૂટા સિંહ, જે અસલી ‘તારા સિંહ’ હતા, જેમણે પોતાના પ્રેમ માટે પોતાને પાકિસ્તાનમાં કુરબાન કરી દીધો હતો. આ હીર-રાંઝા જેવી લવસ્ટોરી પર 24 વર્ષ પહેલા એક પંજાબી ફિલ્મ બની હતી. જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
તેમાં બૂટા સિંહની લવસ્ચટોરી કોઈ ફેરફાર કર્યા વિના દર્શાવાઈ હતી. જોકે લવસ્ટોરીનો અંત હેપ્પી ન હતો, પણ આંખમાં આસું લાવી દે તેવો હતો. પહેલા તો તમને બૂટા સિંહની લવસ્ટોરી જણાવીએ તો ગદરની જેમ જ બ્રિટિશ આર્મીના ભારતીય સોલ્જર બૂટા સિંહને પણ ઝૈનબ નામની પાકિસ્તાની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેએ લગ્ન કર્યા અને એક દીકરીનો જન્મ પણ થયો. પરંતુ બંનેને તોફાનો અને ભારત-પાકિસ્તાનના ભાગલાની આગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરિણામ એ આવ્યું કે, બંને જુદા પડી ગયા. બૂટા પોતાની ઝૈનબ માટે મુસ્લિમ પણ બની ગયા. તેઓ પાકિસ્તાન પણ ગયા, પરંતુ તેમને તેમનો પ્રેમ ન મળી શક્યો. પાકિસ્તાનમાં બૂટા સિંહની ધરપકડ કરાવી દેવાઈ. પરંતુ, જ્યારે ઝૈનબે બૂટા સિંહની સાથે પાછા ફરવાનો ઈનકાર કરી દીધો, તો તેઓ આ દુઃખ સહન ન કરી શક્યા. તેમણે પાકિસ્તાનમાં ટ્રેનની સામે કૂદીને પોતાનો જીવ આપી દીધો.
બૂટા સિંહના જીવન પર સૌથી પહેલા પંજાબી ફિલ્મ બની હતી, જેમાં ગુરદાસ માન અને દિવ્યા દત્તાએ અભિયન કર્યો હતો. 1999માં નવા વર્ષ પર ગુરદાસ માનના પ્રોડક્શન હાઉસ ‘સાઈ પ્રોડક્શન્સ’માં આ લવસ્ટોરી પર ‘શહીદ-એ-મોહબ્બત બૂટા સિંહ’ ફિલ્મ બની હતી. જેમાં બૂટા સિંહના પ્રેમ, વિયોગ અને દર્દનાક મોતને પણ દર્શાવાયું હતું. ‘શહીદ-એ-મોહમ્બત બૂટા સિંહ’ને 46મા નેશનલ એવોર્ડમાં પંજાબી બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મને માત્ર દેશમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો હતો. ઘણા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ થયું હતું.