રાજકોટમાં એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. જેમા ચોર શખ્સે ફરીયાદીના સોશ્યલ મીડીયા પર મુકેલા સ્ટેટસને જોઈ ચોરીનો પ્લાન બનાવેલો. જે પછી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે પ્રજાજોગ વિચિત્ર સંદેશ આપ્યો છે. હકીકત એવી છે કે એક તસ્કરને ફરીયાદી પરિવાર બહારગામ ગયો છે તેની જાણ સોશ્યલ મીડીયા પર અપલોડ કરેલા ફોટાથી થઈ હતી.
જે પછી તેણે ચોરીને અંજામ આપેલો. આ ગુનાનો ભેદ ઉકેલાતા રાજકોટ ક્રાઈમ બ્રાંચે પ્રજાજોગ સંદેશો આપતા જણાવ્યુ કે, આગામી સમયમાં સાતમ-આઠમનો તહેવાર આવતો હોય જેથી બહારગામ ફરવા જતી વખતે સ્ટેટસમાં કે સોશ્યલ મીડીયામાં અન્ય કોઈ જગ્યાએ ફોટાઓ અપલોડ નહીં કરવા તેમજ રહેણાકમકાનમાં બારી-દરવાજામાં મજબૂત લોખંડની ગ્રીલ ફીટ કરાવવી તેમજ ફરવા જતા હોવાની અન્ય કોઈને જાણ ન કરવા જાહેર જનતાને અપીલ કરી છે.
જો કે આપણી પરંપરા મુજબ શહેરીજનો બહારગામ જાય તો પ્રથમ પાડોશીને જાણ કરે છે. ઉપરાંત વર્તમાન સમયમાં લોકો શહેરની બહાર નીકળ્યા નથી કે ‘વે ટુ ફલાણા ગામ’ કરીને સ્ટેટસ મૂકી જ દે છે. આ સંદેશ વિચિત્ર એટલા માટે લાગે છે કારણ કે દરેક ચોરીમાં ‘સ્ટેટસ’ કારણભૂત નથી હોતા. પ્રજાજનો તો અનેક વખત અપીલ કરી ચૂકયા છે કે પોલીસ પેટ્રોલીંગ વધારે.