ઉત્તરાખંડમાં રવિવારે પ્રવાસી બસ ખીણમાં પડી જવાથી સર્જાયેલી દુઘર્ટનામાં ગુજરાતના જે પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે અને ઇજાગ્રસ્ત થયા છે તેમની વિગતો અને જાણકારી માટે રાજ્ય સરકાર ઉત્તરાખંડ સરકારના રાહત કમિશનર ના સતત સંપર્કમાં છે.
રાજ્યના રાહત કમિશનર શ્રી આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું છે કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓ ના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે.
ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફ ની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ છે અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓ ને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે જે પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમની વિગતો મેળવવા ઉત્તરાખંડ સરકાર સાથે ગુજરાત સરકાર સંપર્ક માં છે. ઉત્તરાખંડના રાહત કમિશનર પાસેથી મેળવેલી પ્રાથમિક માહિતી મુજબ આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઉત્તરાખંડમાં રવિવારે સર્જાયેલી બસ દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ના ફોન 079 23251900 પર સંપર્ક કરી શકાશે તેમ રાહત કમિશનરશ્રી આલોક પાંડે એ જણાવ્યું છે.