અમદાવાદમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જુદા-જુદા વિસ્તારમાં આસ્થાના નામે છેતરપિંડી કરનાર જમાઈ અને સાસુ-સસરા ઝડપાયા છે. મંદિરના પૂજારી અને દરગાહના ખાદીમ બનીને લોકો સાથે ઠગાઈ કરતા સાસુ-સસરા અને જમાઈની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ પોલીસે વાસણા અને વસ્ત્રાપુર ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે. ત્રણેય લોકો ખાસ મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે ઠગાઈ કરતા હતા.
પોલીસે ઝડપેલા ત્રણેય આરોપી ઇકબાલ શેખ, સલમા શેખ અને હૈદર શેખ છે. આ સાસુ સસરા અને જમાઈની ત્રિપુટી ગેંગે આતંક મચાવ્યો છે. મંદિરના પૂજારી કે પછી દરગાહના ખાદીમ બનીને વૃદ્ધ લોકો સાથે ઠગાઈ કરતા હતા. ઘટના કઈક એવી છે કે અમદાવાદના વાસણા અને વસ્ત્રાપુરમાં આ ઠગ ગેંગ દ્વારા સરનામું પૂછવાના બહાને સિનિયર સીટિઝનને ટાર્ગેટ કરીને તેમના સોનાના દાગીના ઉતારીને લઈને ફરાર થઇ જતા હતા. ઝોન 7 LCB એ બાઈક નંબર ના આધારે આ ત્રિપુટી ગેંગને ઝડપી લીધી છે. તેમની પૂછપરછમાં 8 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પકડાયેલ આરોપીની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો તેઓ વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતા હતા. હિન્દુ માટે પાવાગઢના પૂજારી બની જતા હતા અને મુસ્લિમ માટે ગરીબ નવાઝની દરગાહના ખાદીમ બનીને ટાર્ગેટ કરતા હતા. આ ઠગ ટોળકી સુરતની રહેવાસી છે. બાઈક પર સાસુ, સસરા અને જમાઈ નીકળતા હતા. સોનાના દાગીના પહેરેલી વૃદ્ધ મહિલા કે પુરુષને તે કે શર્માના નામના દવાખાનું સરનામું પૂછતા હતા. અને પોતાની પૂજારી કે ખાદીમની ઓળખ આપીને અંધશ્રદ્ધાની વાતો કરીને વિશ્વાસ કેળવતા હતા .
આ ટોળકી સોનાના દાગીના કઢાવીને રૂમાલ કે પર્સમાં મુકાવીને દૂધથી ધોઈને પહેરવાની સલાહ આપતા હતા અને કહેતા હતા કે તમારા સંકટ અને દુઃખ દૂર થઇ જશે. ત્યાર બાદ ભગવાનના દર્શન કરવા માટે નજીકના કોઈ ઝાડ કે થાંભલાને અડવા મોકલતા હતા અને દાગીના લઈને ફરાર થઇ જતા હતા.છેલ્લા 3 વર્ષથી આ ટોળકી સક્રિય હોવાનું તપાસમાં ખુલ્યું છે.
પકડાયેલા ઠગ ત્રિપુટી ગેંગ વિરુદ્ધ અગાઉ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં ઠગાઈ અને ચોરીને લઈને 8 ગુનાઓ નોંધાયા હતા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાદ અમદાવાદમાં પણ આ ઠગ ટોળકી સક્રિય થઈ હતી. વાસણા પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઈ છે.