ગુજરાતમાં PMO અને CMOઓની ઓળખ આપી ધાર્યા કામ કરવાનાર ઠગો વધ્યા છે. આજે ચોથો ઠગ પકડાયો છે. સરકારે જ્યારથી મંત્રાલયોને સૂચના આપી છે કે CMOમાંથી ઓફિશિયલ સૂચના હોય તો જ કામગીરી કરવી નહીં તો મંત્રીઓએ પણ ભલામણો સ્વીકારવી નહીં ત્યારથી CMOના નામે ફોન કરનારા ગુજરાતી ઠગો વધ્યા છે. ગુજરાતી ઠગ કિરણ પટેલે તો વર્ષોથી PMOનું નામ વટાવી ખાધું છે. જેને તો કાશ્મીરમાં સંવેદનશીલ એરિયાની પણ મુલાકાત લીધી છે. કિરણ પટેલ પકડાયા બાદ આ બાબતો પર અંકુશ આવશે તેવી સરકારને આશા હતી પણ એ બાદ CMOના નામે ફોન ચાલુ થયા છે. ગુજરાતમાં આજે ચોથો ઠગ પકડાયો છે. જેને GST અધિકારીને તપાસમાં કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે સાણસામાં લીધો છે.
ગુજરાતમાં તાજેતરમાં મુખ્યમંત્રી ઓફિસ કે પ્રધાનમંત્રી ઓફિસમાં કામ કરતા હોવાની માહિતી આપી રોફ જમાવી લોકો સાથે છેતરપિંડી કરનાર અનેક લોકો સકંજામાં આવી રહ્યાં છે. હવે લવકુશ દ્વિવેદી નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ મામલે જીએસટીના અધિકારીઓએ પોતાની તપાસમાં કાર્યવાદી કરવાનો આદેશ આપ્યો હતો. જીએસટીના અધિકારીઓને શંકા જતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાઇબર ક્રાઇમે લવકુશ દ્વિવેદીની ધરપકડ કરી છે.
સાઇબર ક્રાઇમે જે લવકુશ દ્વિવેદીની ધરપકડ કરી છે, તેના સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અનેક રાજકીય નેતાઓ સાથેના ફોટા છે. લવકુશ દ્વિવેદી મુખ્યમંત્રી ઓફિસમાં અધિકારી તરીકે કામ કરતો હોવાની બધાને ઓળખ આપતો હતો.