ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહી સેકટર – 21 પોલીસ મથકની હદમાં આવેલી એક બેંકમાં નોકરી કરતી મહિલાએ સહ કર્મચારીની વારંવાર પજવણીથી કંટાળીને આખરે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બેંકમાં સાથે નોકરી કરતાં કર્મચારીએ મહિલા આયોગ સમક્ષ પણ લેખિતમાં બાંહેધરી આપેલ છતાં પીડિતાનો પીછો કરીને અઘટિત માંગણીઓ કરવામાં આવતી રહેતી હતી.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી પરિણીતા વર્ષ – 2016 – 17 માં અમદાવાદ ખાતે બેંકમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. એ દરમ્યાન બેંકમાં કામ કરતા પ્રકાશ રાજપૂત સાથે પરિચય થયો હતો. એકજ બેંકમાં સાથે નોકરી કરતા હોવાથી અન્ય કર્મચારીઓની માફક બંને વચ્ચે પણ વાતચીતનો થતી રહેતી હતી.
જોકે ધીમે ધીમે પ્રકાશનું વલણ મહિલા માટે બદલાવવાં માંડ્યું હતું. જે બેંકનાં કામકાજ દરમ્યાન પરિણીતાની સાથે કોઇને કોઈ બહાને વાતચીત કરવાનો મોકો છોડતો નથી. આમને આમ થોડા દિવસ ચાલ્યા રાખ્યા પછી પ્રકાશ તેણીનાં ઘર સુધી પાછળ પાછળ આવવા લાગ્યો હતો. શરૂમાં મહિલાએ આ બધું સહજતાથી લીધું હતું. પરંતુ એક દિવસ પ્રકાશે પોત પ્રકાશીને પરિણીતાને પ્રપોઝ કરી દીધું હતું.
આ ઘટનાથી મહિલા પ્રકાશનો મલિન ઈરાદો જાણી ગઈ હતી. જેનાં કારણે તેણીએ પ્રકાશ સાથે વાતચીતનો દોર પણ બંધ કરી દીધો હતો. તેમ છતાં દરરોજ મહિલાનો સતત પીછો કરી પજવણી કરતો રહેતો હતો. આખરે પરિણીતાએ અમદાવાદથી ટ્રાન્સ્ફર કરાવીને સેકટર – 21 પોલીસ મથકની હદમાં આવેલી બેંકમાં નોકરી શરૂ કરી દીધી હતી.
બીજી તરફ કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા પ્રકાશને પણ બેંકે છૂટો કરી દીધો હતો. તેમ છતાં તેણે મહિલાનો પીછો છોડ્યો ન હતો. એટલે આખો મામલો મહિલા આયોગ સમક્ષ પહોંચ્યો હતો. એ વખતે પ્રકાશે લેખિતમાં બાંહેધરી આપી ફરીવાર મહિલાનો પીછો નહીં કરવાની ખાત્રી આપી હતી. તેમ છતાં છેલ્લા પાંચેક મહિનાથી મહિલાની પજવણી કરી જાતિ વિષયક અપશબ્દો પણ બોલવાનું શરૂ કર્યું હતું.
આમ રોજબરોજની હેરાનગતિથી તોબા પોકારી ઉઠેલી મહિલા અંતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. આ અંગે મહિલા પોલીસ મથકના પીઆઈ યુ. એસ. પટેલે જણાવ્યું હતું કે, મહિલાને પ્રકાશ ઘણા સમયથી પજવણી કરતો હતો. જેનાં પગલે પ્રકાશ રાજપુત વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.