મિઝોરમમાં બુધવારે એક અંડરકન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને જણાવ્યું હતું કે રાજધાની આઈઝોલથી 21 કિમી દૂર સૈરાંગમાં સવારે 10 વાગ્યે આ અકસ્માત થયો હતો.
ઘટના સમયે બ્રિજ પર 35થી 40 મજૂરો કામ કરી રહ્યા હતા. બૈરાબીને સાયરાંગથી જોડતી કુરુંગ નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો. મિઝોરમના CM જોરામ થંગાએ સોશિયલ મીડિયા પર દુર્ઘટનાની તસવીર અને વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું- વહીવટીતંત્ર બચાવકાર્ય ચલાવી રહ્યું છે. હું ઘાયલોનાં ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
ત્રીજા અને ચોથા થાંભલા વચ્ચેનો ગાર્ડર 341 ફૂટ નીચે પડ્યો
બ્રિજમાં કુલ 4 પિલર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રીજા અને ચોથા થાંભલાની વચ્ચેનો ગાર્ડર નીચે પડી ગયો છે. આ ગાર્ડર પર તમામ મજૂરો કામ કરતા હતા. જમીનથી પુલની ઊંચાઈ 104 મીટર, એટલે કે 341 ફૂટ છે, એટલે કે પુલની ઊંચાઈ કુતુબ મિનાર કરતાં વધુ છે.