આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ. ગઢવીના હનીટ્રેપના પ્રકરણમાં આરોપીઓએ બે સીપીયુ તથા એક લેપટોપ સહિત અન્ય સાધનોનો ઉપયોગ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે.ઉલ્લેખનીય છે કે પદભ્રષ્ટ કલેક્ટરના હનીટ્રેપના મામલે પોલીસે આરોપી તરીકે આણંદના તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર કેતકી વાસુદેવભાઈ વ્યાસ (રહે.અમદાવાદ), જયેશ દેસાઈભાઈ ઉર્ફે જે.ડી. પટેલ સહિત હરિશ હરમાનભાઈ ચાવડાની ધરપકડ કરી તેમના રિમાન્ડ પૂરા થયા બાદ જેલ હવાલે કરાયા છે.
આ આરોપીઓએ કલેક્ટર પાસે ફાઈલ ક્લિયર કરાવવા પ્લાન કરેલી મહિલાના ફોનમાંથી જરૂરી ચેટ અને ઈમેજીસ પંચનામાની વિગતો કબ્જે કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આરોપીઓએ પેનડ્રાઈવ તેમજ પત્રવાળા કવરો બનાવી ન્યૂઝ ચેનલોને ટપાલથી મોકલ્યા હતા. પોલીસે કબ્જે કરેલ તમામ મુદામાલ તપાસ માટે એફ.એસ.એલમાં મોકલ્યો છે. આરોપી જે.ડી. પટેલે ઓબ્જવર્લ ડિજીટલ ટેકનોલોજી, અમદાવાદખાતેની દુકાનમાંથી એક સ્પાય કેમેરો ખરીદયો હતો. તેમજ બીજા બે સ્પાય કેમેરા એમેઝોન મારફતે ઓનલાઈન મંગાવ્યા હતા. જે પૈકી એક પેમેન્ટ ડિઝીટલ માધ્યમથી કરાયું હતું. જે.ડી. પટેલ તથા હરીશ ચાવડાને રાખવા માટે આપેલા બે લેપટોપ, ફિંગર પ્રિન્ટ લેવા માટેનું મશીન તથા પૈસા ગણવાનું મશીન હરિશ ચાવડાની ગાડીમાંથી કબ્જે કરાયું છે. પુરાવાનો નાશ કરવા અશ્લીલ વીડિયો સંદર્ભે તથા કોઈ મહિલાને પૈસાની લાલચે શરીર સંબંધો બાંધવા મોકલી હોવાના મુદ્દે ઈ.પી.કો. કલમ 292, 201 તથા ધી ઈમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ 1956ની કલમ પ મુજબની કલમો કોર્ટની મંજૂરી બાદ ઉમેરવામાં આવી છે.
આણંદ કલેક્ટરાલયના દરેક ફલોર ઉપર આવેલી સરકારી કચેરીઓમા બિરાજતા બાબુઓની છબી ભ્રષ્ટ્રાચારથી ખરડાયેલી છે. સામાન્ય નાગરિકના નાણાં વિના કામો થતા ન હોવાની બુમો વારંવાર ઉઠી છે. દરેક વિભાગમાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર ફુલ્યો-ફાલ્યો છે. પ્રથમ માળે અડીંગો જમાવી બેઠેલા જમીન શાખાના નાયબ મામલતદાર જે.ડી.પટેલ લાંબા સમયથી એક જ ટેબલ ઉપર રાજ કરવાનો ઇતિહાસ તેઓના નામે લખાયો છે. કલેક્ટરાલયમાં ટોપ ટુ બોટમ ભ્રષ્ટ્રાચારથી કચેરીઓ ખરડાયેલી છે. તત્કાલિન કલેક્ટરના હનીટ્રેપ વિડીયો કલીપીંગ કાંડમાં દિવસે-દિવસે વધુ રહસ્યો અને ભેદ ઉકેલાતા જતા હોઇ પ્રકરણ વધુ ઘેરૂ બનતુ જાય છે.