અમદાવાદમાં લાંચ માંગવાનો એક અનોખો કેસ સામે આવ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક હેડ કોન્સ્ટેબલ પાણીપુરીની લારીવાળા પાસેથી દરરોજના ત્રણ રૂપિયાની લાંચ માંગતો હતો. જોકે, પાણીપુરીવાળાએ તેની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં કરી હતી. એસીબીએ હેડ કોન્સ્ટેબલ સામે તપાસ શરૂ કરી છે. જાન્યુઆરી ૨૦૨૧માં હેડ કોન્સેટબલ દશરથસિંહ ચાવડાએ એક પાણીપુરીવાળાને લારી ઊભી રાખવા બદલ દરરોજના ત્રણ રૂપિયાનો હપ્તો માંગ્યો હતો.તેણે પાણીપુરીવાળા પાસેથી ૯૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, તેણે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી.
બાદમાં પાણીપુરીવાળાએ એસીબીની મદદ લીધી હતી અને હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડાને ટ્રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ટ્રેપ સફળ ન હતી રહી. પરંતુ પાણીપુરીવાળાએ તેની અને ચાવડા વચ્ચે થયેલી વાતચીતનું એક રેકોર્ડિંગ એસીબીને આપ્યું હતું. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા વોઇસ રેકોર્ડિંગનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે સામેવાળી વ્યક્તિ પાણીપુરીવાળા પાસેથી લાંચ માંગી રહી છે.હવે એસીબી દ્વારા હેડ કોન્સેટબલ ચાવડાનું વોઇસ સેમ્પલ લેવાની માંગ કરવામાં આવી છે. જેને પાણીપુરીવાળાએ આપેલા વોઈસ રેકોર્ડિંગના અવાજ સાથે મેચ કરવામાં આવશે. જો આ વોઈસ સેમ્પલ મેચ થઈ જશે તો ચાવડા સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.