ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે ઉપયોગમાં લેવાની મંજુરી આપવાની દાદ માંગતી જાહેર હિતની અરજી હાઈકોર્ટે રદ કરી છે. તેથી આ મામલે હાલ હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી શકાશે નહિં. ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ અનિરૂધ્ધ પી.માયીની ખંડપીઠે અરજદાર દ્વારા જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે એ કોર્ટનાં અધિકાર ક્ષેત્રની બહારનો વિષય છે.
એકવાર જયારે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયાનો અભિપ્રાય આ મામલે લેવાયો હોય અને ફુલ કોર્ટ દ્વારા નિર્ણય કરાયો હોય ત્યારે અરજદાર જોકે સુપ્રિમ કોર્ટ સમક્ષ જવા સિવાયનો કોઈ વિકલ્પ રહેતો નથી. તેથી આ અરજી યોગ્ય ન હોવાથી તેને રદ કરવામાં આવે છે.
હાઈકોર્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે ચીફ ઓફ જસ્ટીસ ઈન્ડીયાએ કોઈ વહીવટી નિર્ણય કર્યો હોય તો એ નિર્ણય હાઈકોર્ટને પણ બંધનકર્તા છે. જો અરજદારને તે અંગે કોઈ તકરાર હોય તો તે સુપ્રિમ કોર્ટ સમક્ષ જઈ શકે છે અને પોતાની રજુઆત કરી શકે.હાઈકોર્ટ આ મામલે કોઈ મદદ કરી શકે નહિં. સુપ્રિમ કોર્ટે સમગ્ર મામલો ધ્યાને લીધો હોય એવા તબકકે હાઈકોર્ટ કોઈ આદેશ કરી શકે નહિં. ખાસ કરીને ત્યારે જયારે કે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયાએ આ મુદ્દે સંમતિ આપવાનો ઈન્કાર કર્યો હતો.
આ રીટમાં એવી માંગ કરાઈ હતી કે રાજયપાલ દ્વારા ગુજરાતી ભાષાનાં ઉપયોગ અંગે ઓથોરાઈઝેશન આપી દીધુ છે અને, આ ઓથોરાઈઝને અમલમાં મુકવા સરકારને આદેશ કરવામાં આવે. વર્ષ 2012 માં રાજયની વિધાનસભાએ સર્વાનુંમતે બંધારણનાં અનુચ્છેદ 348 અન્વયે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા અંગે ભલામણ કરી હતી. જે ભલામણને મંત્રીમંડળ સમક્ષ મુકાઈ હતી અને મંત્રીમંડળે આ ભલામણને રાજયપાલ સમક્ષ મુકી હતી.
જેમાં રાજયપાલ દ્વારા ગુજરાતી ભાષાનાં ઉપયોગ અંગે ઓથોરાઈઝેશન આપ્યું હતું ભારત એક લોકશાહી દેશ છે અને તેમાં જયારે રાજયપાલ બંધારણની મર્યાદામાં રહીને કોઈ ઓથોરાઈઝેશન આપતા હોય ત્યારે એ મામલે દેશની સુપ્રિમ કોર્ટ કે રાજયની હાઈકોર્ટની કોઈ ભુમિકા રહી જતી નથી.
અરજદાર પક્ષે એવી દલીલ પણ કરી હતી કે ન્યાયપાલીકા નાગરીકો અને એમના હિત માટે છે.તેવા સંજોગોમાં ન્યાયપાલીકામાં જે કાર્યવાહી થાય છે એ નાગરીકોની ખુદની માતૃભાષામાં જાણવાનો અધિકાર છે. તેમને એ અધિકારથી વંચીત રાખી શકાય નહિં. દેશની ચાર હાઈકોર્ટમાં હિન્દીને અન્ય ભાષા તરીકે કાયદેસરની મંજુરી મળી છે અને એ કોઈપણ રીતે બંધારણ કે નીતિ-નિયમનો ભંગ નથી.
રાજસ્થાન, અલ્હાબાદ, પટણા અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં હિન્દી ભાષાનો 50 વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે. એવુ પહેલીવાર નથી કે કોઈ સ્થાનિક ભાષાને હાઈકોર્ટની વૈકલ્પીક ભાષા તરીકે મંજુરી આપવામાં આવી હોય આવા સંજોગોમાં ગુજરાતની પ્રજા સાથે માત્ર એ માટે કે તેઓ ગુજરાતમાં રહે છે. ભૌગોલીક રીતે ભેદભાવ કરી શકાય નહિં.