ગાંધીનગર જિલ્લાનાં કલોલમાં 15 મી ઓગસ્ટના રોજ રાહદારી મહિલાનાં ગળામાંથી સોનાના દોરાની તફડંચી કરનાર રીઢા ચેઇન સ્નેચરને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડી ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢી તેના સાગરિતને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં મિલ્કત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ વી ડી વાળાએ જિલ્લા પોલીસ મથકમાં નોંધાયેલ ચેઇન સ્નેચિંગના ગુનાઓ નું સ્ક્રુટિની હાથ ધરી સ્ટાફના બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. જે અન્વયે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, એક ઇસમ નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ લઈ પ્રેસ સર્કલથી આદીવાડા જતા રોડ ઉપર ઉભો છે. જેનો ચહેરો કલોલ ટાવર ચોકથી બસ સ્ટેન્ડ તરફના રોડ પર 15મી ઓગસ્ટ નાં રોજ થયેલ ચીલઝડપનાં ગુનેગાર સાથે મળતી આવે છે.
જેનાં પગલે આયોજન પૂર્વક આજુબાજુના વિસ્તારમાં નાકાબંધી ગોઠવી શકમંદ ઈસમને ઉઠાવી લેવામાં આવ્યો હતો. બાદમાં તેની વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ સુરેશ પુણાભાઇ મારવાડી (સલાટ) જણાવી કબૂલાત કરેલી કે 15 મી ઓગસ્ટનાં રોજ તેના મિત્ર શૈલેષ વાંજા બાઈક લઈને કલોલ ટાવર ચોક વિસ્તારમાં ગયા હતા. જ્યાંથી રાહદારી મહિલાનાં ગળામાંથી સોનાનો દોરો તોડીને નાસી ગયા હતા. અને ખૂની બંગલા આગળ બાઈક સ્લીપ ખાઈને પડી ગયા છતાં ઉભા થઈને નાસી ગયા હતા. જે સોનાના દોરાના બે ટુકડા કરી બંને જણાએ વહેંચી લીધા હતા.
જ્યારે બાઈક દસેક દિવસ અગાઉ તેના મિત્ર શૈલેષ જગમાલભાઈ વાંજા (રહે, કડી જી.મહેસાણા) સાથે મળીને અમદાવાદના કુબેરનગરથી ચોરીને ચાંદખેડા ગામ જવાના રોડ ઉપર રાહદારી મહિલાના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવી લઈ નાસી ગયા હોવાની પણ કબૂલાત કરી હતી. ઉપરાંત વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશનમાં પ્રોહીનાં ગુનામાં પણ નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું. આમ એસઓજીએ ઉક્ત ચેઇન સ્નેચિંગ, બાઈક ચોરી અને મોબાઈલ ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.
જ્યારે આરોપીનો ગુનાહિત ઇતિહાસ ચકાસવામાં આવતાં ભુતકાળમાં પણ કલોલ સિટી પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગના ચાર , કડી પોલીસ મથકમાં પ્રોહીબીશનનાં 20 અને વીરમ ગામ રેલવે પોલીસમાં ત્રણ ગુના નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.