ગાંધીનગર
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર અલાયદો એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરવા ભાર પૂર્વક અનુરોધ કર્યો છે.
આજે ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમ ની કામગીરીની રીવ્યુ બેઠકમાં સમીક્ષા કરતા મંત્રી શ્રી સંઘવી એ ઉમેર્યું હતું કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે પોલીસ તંત્ર સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.ત્યારે સમગ્ર પોલીસ દળ એક યુનીક ડીઝાઇન અને કોન્સેપ્ટ સાથે કામગીરી કરશે તો પ્રજાજનોને વધુને વધુ સારી સુવિધાઓ પુરી પાડી શકાશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ફકત નોડલ એજંસી તરીકે ન રહેતા તેઓએ તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે.અભય કોલ પર જ્યારે કોલ આવે ત્યારે જે ટીમ જાય છે તેમા શી ટીમનો પણ સમાવેશ કરાશે. આ ઉપરાંત એનડીપીએસ અને સાયબર ક્રાઇમની કામગીરીને વધારે અસરકારક અને વ્યાપક બનાવવા સંબંધિતોને સૂચનાઓ આપી હતી. તેમજ રાજ્યમાં ગુમ થયેલ બાળકોને શોધવાની કામગીરી અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની સીઆઇડી ક્રાઈમ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી અને આગામી સમયમાં એકશન પ્લાન બનાવી વધુ સધન કામગીરી કરવા સૂચનાઓ આપી હતી.આ રીવ્યુ બેઠકમાં પો.મ.નિ. અને મુ.પો.અ.શ્રી અને અ.પો.મ.નિ. (સીઆઇડી ક્રાઇમ) અને સીઆઇડી ક્રાઇમના રાજ્યના તમામ નાયબ પોલીસ અધીક્ષકશ્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ દ્વારા મંત્રીશ્રી સમક્ષ સીઆઇડી ક્રાઇમની કામગીરીઓ નુ વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને જરૂરી વિગતો પુરી પાડી હતી.