કેનેડાના અનેક મંદિરોમાં છેલ્લા એક વર્ષમાં તોડફોડની અસંખ્ય ઘટનાઓથી ચિંતિત સાંસદોએ ઔપચારિક રીતે હિન્દુફોબિયાને માન્યતા આપવા માટે ત્યાંની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સ સમક્ષ ફાઈલ એક પિટિશનને સમર્થન આપ્યું હતું. આ અરજી પર કેનેડાના સાંસદોનું સમર્થન વધતું જઈ રહ્યું છે.
શનિવારની સાંજ સુધી આ અરજી પર 6000થી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા હતા. જે તમામ કેટેગરીમાં ઓપન થયેલી પિટીશનમાં સૌથી મોટી સંખ્યા છે. સાંસદ મેલિસા લેંસ્ટમેન દ્વારા પ્રાયોજિત અરજી 19 જુલાઈએ હસ્તાક્ષર માટે ઓપન કરાઈ હતી. તે 17 ઓક્ટોબર સુધી સક્રિય રહેશે.
આ અરજીનું સમર્થન કરનારા મંદિરોમાં બ્રિટિશ કોલંબિયાના સરેનું લક્ષ્મી નારાયણ મંદિર પણ સામેલ છે. આ મંદિરના ગેટ પર 12 ઓગસ્ટે ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી અને ખાલિસ્તાન સમર્થક પોસ્ટરો ચોંટાડી દીધા હતા. મંદિરના ઉપાધ્યક્ષ સતીશ કુમારે કહ્યું કે અમે હિન્દુઓના સમર્થનમાં ચલાવાતી આવી પહેલને સમર્થન આપીશું. આ અરજીના સમર્થનમાં બ્રામ્પટનનું ત્રિવેણી મંદિર પણ સામેલ છે.
કેનેડિયન ઓર્ગેનાઇઝેશન ફોર હિન્દુ હેરિટેજ એજ્યુકેશન દ્વારા આ પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. જેમાં ગૃહ પાસે હિન્દુવિરોધી પૂર્વાગ્રહ અને ભેદભાવનું વર્ણન કરવા માટે માનવાધિકાર સંહિતાની ડિક્શનરીમાં હિન્દુફોબિયાને એક શબ્દ તરીકે માન્યતા આપવા, હિન્દુફોબિયાને ઈનકાર કરવાના રુપમાં વ્યાખ્યાયિત કરવાનું આહ્વાન કર્યું છે.