ગાંધીનગર મહાનગરપાલિકાના અસ્તિત્વ બાદ ત્રીજી વખત કાઉન્સિલરોની સંખ્યામાં વધારો થયો છે. તેની સાથે વોર્ડ સીમાંકન પણ બદલાયું છે. ગાંધીનગર મહાપાલિકામાં 18 ગામડાં અને એક પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કર્યા બાદ આજે રાજ્યના શહેરી વિભાગ દ્વારા વોર્ડની સંખ્યા અને નગરસેવકોની સંખ્યામાં વધારા સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર મનપામાં 3 વોર્ડ અને 12 નગરસેવકો વધારો કરવામાં આવ્યો છે.
ગાંધીનગર મનપાની સ્થાપના વર્ષ 2011માં કરવામાં આવી હતી. તે સમયે 11 વોર્ડ અને 33 કાઉન્સિલરો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2016માં ચૂંટણી યોજાઈ ત્યારે 8 વોર્ડ અને 32 નગરસેવકો સમાવેશ કરાયો હતો. જેમાં એક વોર્ડમાં ચાર નગરસેવકો નક્કી કરવામાં આવ્યાં હતાં. હાલમાં પણ આ જ પ્રમાણે મનપામાં સભ્યોની સંખ્યા છે. ત્યારે તાજેતરમાં જ ગાંધીનગર મનપામાં 18 ગામડાં અને એક પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ગાંધીનગર મનપામાં હાલમાં વોર્ડને 32 કાઉન્સિલરો છે. જ્યારે 18 ગામડાનો સમાવિષ્ટ કરાયા બાદ હવે નવા 3 વોર્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ગાંધીનગર મનપામાં 11 વોર્ડ આગામી ચૂંટણીથી કાર્યરત થશે. ત્યારે હાલમાં નગરસેવકની સંખ્યા 32 છે.
નવા સીમાંકન મુજબ નગરસેવકની સંખ્યા 44 થશે. જેમાં 22 બેઠકો મહિલા અનામત માટે રાખવામાં આવી છે. તેમાં 5 એસસી માટે બેઠક ફાળવવામાં આવી છે. જેમાં 3 મહિલાનો સમાવેશ થશે, જ્યારે 1એસટી બેઠક ફાળવવામાં આવી છે, તેની સાથે જ 4 ઓબીસી બેઠકોનો સમાવેશ કરાયો છે, જેમાં 2 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવેથી 22 નવી મહિલા મેદાનમાં ઉતરશે.