સ્થાનિક સ્વરાજમાં ઓબીસી અનામત મુદ્દે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યું છેકે, હવેથી જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતમાં ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવશે. કુલ અનામતથી 50 ટકે વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવશે.હોદ્દાઓ માટે પણ 50 ટકાની મર્યાદામાં 27 ટકા અનામત આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં ઓબીસી માટે 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આજે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. લાંબા સમયની આ રિપોર્ટ પર વિચારણા ચાલી રહી હતી. ચૂંટણીઓમાં ઓબીસી અનામતમાં વધારો કરાયો છે. જે અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઓબીસી અનામત 10 ટકાથી વધારીને 27 ટકા કરવામાં આવ્યું છે. જ્યારે એસસી અને એસટીના અનામતને યથાવત રાખવામાં આવ્યું છે.
છેલ્લા એક વર્ષ કરતા પણ લાંબા સમયથી અનેક પંચાયતોમાં ઓબીસી બેઠકો ખાલી પડી છે. હવે ઝવેરી કમિશનનો રિપોર્ટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.