ગાંધીનગરના સેકટર – 26 જીઆઇડીસી ખાતે પરેશ પ્રજાપતિ નામના ઈસમની બ્રહ્માણી ફેબ્રિકેશનની દુકાનમાં ચાલતાં જુગાર ધામનો લોકલ ક્રાઇમ બ્રાંચ – 1 ની ટીમે પૂર્વ બાતમીના આધારે રેડ કરીને છ જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ કુલ રૂ. 62 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ફૂલી ફાલેલી જુગારની પ્રવૃતિઓ ઉપર ધોંશ બોલાવી દેવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ તાબાનાં પોલીસ અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળાએ જીઆઈડીસી વિસ્તારમાં ધ્યાન કેંદ્રિત કરી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા.
જેનાં પગલે પીઆઈ વાળાને બાતમી મળી હતી કે, સેકટર – 26 જીઆઇડીસીના પ્લોટ નં. ઇ – 123 ખાતે પરેશ પ્રજાપતી નામનો ઈસમ શ્રી બ્રહ્માણી ફેબ્રીકેશન નામની દુકાનમાં બહારથી ખેલીઓને બોલાવીને જુગાર ધામ ચલાવી રહ્યો છે. આથી એલસીબીની ટીમ બાતમી વાળી દુકાનમાં ત્રાટકી હતી. જ્યાં દુકાનનું શટર અંદરથી બંધ હતું. જે ખોલાવતા જ પોલીસને જોઈને જુગારીઓનો પસીનો છૂટી ગયો હતો.
બાદમાં પોલીસે જુગારીઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ સુરેશ રાજુભાઇ પ્રજાપતી (ઉ.વ. 35 રહે, ગામ, રાંધેજા, પ્રજાપતિ વાસ), ગીરીશ શીવાભાઇ પટેલ (ઉ.વ.55 રહે.ગામ.રાંધેજા, સિધ્ધેશ્વરી હોમ), મૌસમસિંહ દિલીપસિંહ રાજપુત (ઉ.વ.30 રહે.ગામ-મેઉં, દરબારવાસ તા.જી.મહેસાણા), જયેશભાઇ કાન્તીભાઇ પટેલ (ઉ.વ.37 રહે.ગામ-સોલૈયા પટેલવાસ તા.માણસા), કાલીદાસ ગોપાલદાસ શર્મા (ઉં. 55,રહે.સેકટર-27 પ્લોટ નંબર – 632) તેમજ નિમેશ સુર્યકાન્તભાઇ પટેલ (ઉ.50 રહે.સહજાનંદ પાર્ક સોસા ,મકાન નં.4, ધોડાસર) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે અંગ ઝડતી – દાવ પરથી 32 હજાર 170 રોકડા, છ મોબાઇલ ફોન કી રૂ. 30 હજાર તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 62 હજાર 170 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીઓની ધરપકડ કરી લીધી હતી. જેઓની વધુ પૂછતાંછમાં હાલમાં ચાલી રહેલ શ્રાવસ માસ નિમિત્તે બધા શ્રાવણીયો જુગાર રમતા હોવાની કબૂલાત કરી હતી.