ગાંધીનગરના ચીલોડા અને ડભોડા પોલીસ પૂર્વ બાતમીના આધારે ઇસનપુર તેમજ ફિરોઝપુર ગામમાં દરોડો પાડીને જુગાર રમતાં નવ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ. 41 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરનાં ચીલોડા પોલીસ મથકની ટીમ શ્રાવણીયા જુગારને ઝડપી પાડવા પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, મોટા ઇસનપુર ગામે ઘઘરીયાવાસમાં રહેતો મિતેષ મહેન્દ્રભાઇ પટેલ પોતાના રહેણાંક મકાનમાં કેટલાક ઇસમો સાથે જુગારની બાઝી માંડીને બેઠો છે. જે બાતમીના આધારે પોલીસ ખાનગી તેમજ સરકારી વાહનમાં બેસી મોટા ઇસનપુર પહોંચી બાતમી વાળા મકાનમાં ત્રાટકી હતી.
આ રેડ દરમિયાન મિતેષ મહેન્દ્રભાઇ પટેલ, સંજયભાઈ રામાભાઈ પટેલ, રીતેષભાઇ કનુભાઇ પટેલ, અક્ષય મહેન્દ્રભાઇ પટેલ, હિતેશ સતીશભાઈ પટેલ તેમજ ભિખાભાઈ પુનમભાઇ પટેલ (તમામ રહે. ઇસનપુર મોટા) જુગાર રમતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેઓની પાસેથી પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન નંગ – 6 તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 30 હજાર 800 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એજ રીતે ડભોડા પોલીસને નાઈટ પેટ્રોલીંગ વખતે બાતમી મળી હતી કે, ફીરોજપુર ગામની ભાગોળ જોગણી માતાજીના મંદીર પાછળ ખુલ્લી જગ્યામા લાઈટના અજવાળે કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેનાં પગલે પોલીસે ઉક્ત સ્થળે રેડ કરીને જુગાર રમતાં લલીત કાળાજી જાદવ (રહે-વલાદ પંચાયત પાછળ ચકલીપુરા વાસ), રાહુલ ધનાજી જાદવ (રહે ફીરોજપુર આશ્રમની પાછળ) તેમજ વિદુર ગાભાજી જાદવને (રહે ફીરોજપુર આંગણવાડી વાળો વાસ) ઝડપી પાડી રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિત કુલ રૂ. 10 હજાર 860 નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.