માણસા તાલુકાના નાયરા પેટ્રોલ પંપ અને ગાંધી ટાવર નજીક જાહેરમાં ચાલતી વરલી મટકાંની હાટડી ઉપર ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રાટકીને ત્રણ ઈસમોને ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ વરલીના આંકડાનું સાહિત્ય મળીને કુલ રૂ. 33 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાની ટીમ માણસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, માણસા નાયરા પ્રેટ્રોલ પંપ સામે આવેલ ભારત રેડીયટર વર્કસ પાસે ખુલ્લામાં ઇમરાન સુલતાનભાઇ મન્સુરી વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યો છે.
જે બાતમીના આધારે એલસીબીની ટીમે ઉક્ત સ્થળે રેડ કરતાં બે સગા ભાઈ આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. જેમણે પોતાના નામ ઇમરાન સુલતાનભાઇ મન્સુરી અને ઇકબાલ સુલતાનભાઇ મન્સુરી (રહે-વાયદરવાજા વિજયટાવર પાસે,માણસા) હોવાનું જણાવી કબૂલાત કરી હતી કે, પોતાના મોબાઈલ ફોન ઉપર કોલ આવેથી વરલી મટકાનો આંક ચિઠ્ઠીમાં લખી લેતાં હતાં. આ બન્ને ભાઈઓ પાસેથી એલસીબીએ રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ વરલી મટકાનું સાહિત્ય મળીને કુલ રૂ. 22 હજાર 670 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એજ રીતે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે માણસા જુના ટાવર (ગાંધી ટાવર) પાસે સ્વામીનારાયણ મંદિર આગળ ખુલ્લામાં ધાર્મિક જીતુભાઇ પંડયાને વરલી મટકાના આંક લખતા ઝડપી લીધો હતો. જે વરલીનાં આંકડા લખી કટિંગ મહિપાલસિંહ ઉર્ફે પી પી પ્રવિણસિંહ વિહોલ (રહે.માણસા) ને વોટ્સઅપથી આપતો હતો. આથી એલસીબી ધાર્મિકની ધરપકડ કરી કુલ રૂ. 10,700 નો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ મહિપાલસિંહને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.