વેક્સિન બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટે ડેન્ગ્યુને લઈને મોટા સમાચાર આપ્યા છે. કંપનીના ચેરમેન સાયરસ પૂનાવાલાએ જાહેરાત કરી હતી કે કંપની એક વર્ષની અંદર ડેન્ગ્યુની રસી લોન્ચ કરશે. પૂનાવાલાએ કહ્યું, આ નવી રસીની આફ્રિકન દેશો અને ભારતમાં ખૂબ જ જરૂર છે, કારણ કે દર વર્ષે લાખો લોકો આ રોગથી પીડિત થઈ રહ્યા છે.સાયરસ પૂનાવાલાએ કહ્યું કે એક વર્ષની અંદર, અમે ડેન્ગ્યુની સારવાર અને રસી વિકસાવીશું.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ લાંબા સમયથી ડેન્ગ્યુની રસી પર કામ કરી રહી છે અને તેનાથી સંબંધિત ઘણા ટ્રાયલ થઈ ચૂક્યા છે. પૂનાવાલે કહ્યું કે ડેન્ગ્યુની જે રસી વિકસાવવામાં આવી રહી છે તે આ વાયરસના ચારેય સ્ટ્રેન પર અસરકારક રહેશે.
આ રોગના ચાર સ્ટ્રેન હોવાને લીધે તેની રસી વિકસાવવામાં સમય લાગી રહ્યો છે. જો વાયરસનો એક જ સ્ટ્રેન હોત તો રસી વિકસાવવી સરળ હોત. તાજેતરમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલમાં નિષ્કર્ષ મળ્યું કે પુખ્ત વયના લોકોમાં ડેન્ગ્યુની રસીનો એક ડૉઝ સલામત અને સસ્તો હતો. તેને વધુ અસરકારક બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર, સમગ્ર વિશ્વમાં દર વર્ષે ડેન્ગ્યુના 10 કરોડથી વધુ કેસ નોંધાય છે અને આમાં મોટી સંખ્યામાં દર્દીઓ આફ્રિકા અને એશિયાના દેશોના છે. ભારતમાં દર વરસાદની ઋતુમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળે છે.
પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટે અમેરિકા સ્થિત બાયોટેકનોલોજી કંપની વિસ્ટેરા સાથે આ રસી વિકસાવવા માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી માટે કરાર કર્યો છે. રસીની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ તેને શક્ય તેટલી વહેલી તકે બજારમાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે બજારમાં રસી લાવવા માટે ટૂંક સમયમાં પગલાં લેવામાં આવી શકે છે. દેશમાં દવાના વિતરણ માટે ડ્રગ રેગ્યુલેટર અને અન્ય સરકારી વિભાગો પાસેથી ફાસ્ટ ટ્રેક મંજૂરી મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવશે.