જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 28-29 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનાં પ્રવાસે અમદાવાદ આવશે. બે દિવસના તેમનાં પ્રવાસ દરમિયાન તેઓ અનેક કાર્યક્રમો તેમ જ ભાજપનાં પ્રદેશ સંગઠન સાથે પણ બેઠક યોજશે. આ ઉપરાંત વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણી માટે મહત્વપૂર્ણ ચર્ચા કરીને ઉમેદવારોની પસંદગી કરે એવી શક્યતાઓ છે. તદઉપરાંત સપ્ટેમ્બરનાં પહેલા અઠવાડિયામાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે પણ જશે. તેઓ દાદરા નગર હવેલીના મુખ્યમથક સેલવાસ ખાતે કાર્યક્રમમાં ભાગ લેવાના હોવાની જાણકારી મળી છે.
વિધાનસભાની પેટાચૂંટણીની ચર્ચા
આ ઉપરાંત સરકાર અને સંગઠનનાં પદાધિકારીઓ સાથે એક મહત્વની બેઠક પણ યોજશે. જેમાં ભાજપમાં હાલમાં ઉજવાઈ રહેલા સંગઠન પર્વને લઈને પણ ચર્ચા થઈ શકે એવી શક્યતાઓ છે. આ ઉપરાંત આગામી સમયમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પણ પ્રદેશ ભાજપનાં નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્ય વિધાનસભાની જે સાત બેઠકોની પેટા ચૂંટણી સપ્ટેમ્બરમાં આવે એવી શક્યતાઓ છે તેને લઈને પણ ભાજપનાં ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવામાં આવે એવી શક્યતાઓ છે. આ ઉપરાંત રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને ભાજપનાં સંગઠન પર્વને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા કરે એવી શક્યતાઓ રહેલી છે.
સપ્ટેમ્બરનાં પહેલા સપ્તાહમાં દાદરાનગર હવેલીની મુલાકાત લેશે
આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનાનાં પ્રથમ સપ્તાહ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાત પણ લેવાના છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનાં તેમનાં આ પ્રવાસ દરમિયાન કામોનું લોકાર્પણ તેમ જ ભૂમિપૂજન કરશે. તેમની આ મુલાકાત દરમિયાન બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન કોઈ મોટી જાહેરાત કરે એવી સંભાવના પણ રહેલી છે. જેમાં આ બન્ને સંઘપ્રદેશને એક કરીને ગુજરાત રાજ્ય સાથે એક કરવાની જાહેરાત થાય એવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જોકે, આ મામલે પ્રશાસકે કોઈ ફોડ પાડવાનો ઈનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી ચર્ચાઓ ઉઠતી રહી છે પરંતુ સ્થાનિક લોકો તેનો વિરોધ કરે છે. ફરી વખત અમિત શાહની મુલાકાત વખતે જ આ ચર્ચા ઉપડી છે.