એપ્રેન્ટિસશિપ કરનારા લોકોને ગુજરાત સરકારે મોટી ભેટ આપી છે. રાજ્યના લગભગ 20 હજાર જેટલા એપ્રેન્ટિસોને આ યોજનાનો લાભ મળી શકશે. મળતી માહિતી મુજબ રાજય સરકારે એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ પોતાના રહેઠાણથી 30 કિલોમીટર કે તેથી વધુ દૂર આવેલા ઔદ્યોગિક એકમોમાં વધુમાં વધુ બે વર્ષ સુધી એપ્રેન્ટિસશિપ કરતા એપ્રેન્ટિસને ફ્રી એસટી બસ પાસની સવલત આપવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારની એક ગણતરી પ્રમાણે લગભગ 20 હજાર જેટલા એપ્રેન્ટિસને આ યોજનાનો લાભ મળી શકશે. બસભાડું ગણીએ તો તે પેટે લગભગ 3647.97 લાખ રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ દ્વારા એસટી નિગમને ચૂકવણી કરાશે.
આ લાભ સપ્ટેમ્બર 23થી આપવાનો શરૂ કરાશે. હાલ 2023-24ના વર્ષના બજેટમાં આ યોજના માટે જોગવાઈ કરાઈ છે. જેનો અમલ હવે પાંચ મહિના પછી થઈ રહ્યો છે. આ યોજનાના અમલીકરણ કરતી સંબંધિત એક્સ-ઓફિશ્યો કચેરીઓ દ્વારા આ યોજનાનો અમલ કરાશે. આ અંગે એપ્રેન્ટિસને ફ્રી એસટી બસ પાસ આપવાની ભલામણ પોર્ટલ રજિસ્ટર્ડ એકમ દ્વારા જે તે એક્સ ઓફિશ્યોની કચેરીના આસિસ્ટન્ટ એપ્રેન્ટિસ એડવાઈઝરને થશે.
ત્યારબાદ તે બસ પાસને લગતા જરૂરી દસ્તાવેજો પ્રમાણિત કરીને જીએસઆરટીસીની ઓફિસ મોકલશે ત્યારબાદ ત્યાંથી પાસ કાઢી આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે એપ્રિન્ટિસશિપ તાલીમ યોજના હેઠળ ઔદ્યોગિક એકમોમાં વધુમાં વધુ બે વર્શ સુધી એપ્રેન્ટિસશિપ કરતા મોટાભાગના એપ્રેન્ટિસ મધ્યમ અને ગરીબ પરિવારોમાં આવતા હોય છે. તેમને લાંબા અંતરે આવેલા ઔદ્યોગિક એકમોમાં એપ્રેન્ટિસશિપ કરવામાં આર્થિક મુશ્કેલીઓ પડતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઘરથી 30 કિલોમીટરી અંદર આવેલા ઔદ્યોગિક એકમોમાં એપ્રેન્ટિસશિપ કરતા એપ્રેન્ટિસોને આ લાભ મળશે નહીં. એપ્રેન્ટિસને દર મહિનામાં 25 દિવસમાં અપડાઉન કરવાનું ભાડું શ્રમ રોજગાર વિભાગ એસટી તંત્રને દર ત્રણ મહિને ચૂકવી દેશે. અહીં એ ખાસ જણાવવાનું કે આ યોજનામાં કોઈ ખોટી વ્યક્તિ મફત એસટી બસ પાસ ન લઈ જાય તેની પણ તકેદારી રાખવામાં આવશે. એપ્રેન્ટિસોના બસભાડાંની અંદાજે 37 કરોડની રકમ શ્રમ રોજગાર વિભાગ જીએસઆરટીસીને ચૂકવશે.