એક તરફ બોટાદના સાળંગપુર મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર નામે જાણીતી હનુમાનજીની મૂર્તિ નીચે કરાયેલા ભીંતચિંત્રને લઇને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ અજાણ્યા ભક્ત દ્વારા વિવાદીત ભીંતચિંત્ર પર કાળો રંગ કરવામાં આવ્યો છે. સાથે જ હનુમાનજીના ભીંતચિત્રોને લાકડી વડે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઇને કાળો રંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સાળંગપુર મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરનૂ મૂર્તિ નીચે લગાવાયેલા હનુમાનજીના ભીંતચિંત્રને લઇને છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે બોટાદના સાળંગપુર મંદિરમાં પહેલેથી જ પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે. તેમ છતા આજે એક વ્યક્તિ અચાનક કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પાસે પહોંચી જાય છે અને લગાવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવે છે એટલુ જ નહીં તેના પર લાકડીથી પ્રહાર પણ કરે છે. લાકડીથી પ્રહાર કરતા ભીંતચિત્રોને નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ છે. ભીંતચિત્રો પર લાકડીથી હુમલો કરનાર વ્યક્તિ સાળંગપુરની નજીક આવેલા ચારણકી ગામ રહે છે અને તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું સામે આવ્યુ છે. આ વ્યક્તિ બેરીકેટ તોડીને સ્ટેજ પર પહોંચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે હર્ષદ ગઢવી નામનો વ્યક્તિ સનાતન ધર્મમાં માને છે અને છેલ્લા એક સપ્તાહથી સાળંગપુર મંદિરમાં ચાલતા વિવાદને લઇને તેનામાં આક્રોશ હતો. જેના પગલે તેણે આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસે આ વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બનતા DySP સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ તો હર્ષદ ગઢવીની પુછપરછ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ-સંતો અને ભક્તોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સાધુઓએ નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક ભીંતચિત્રો હટાવવાની માગણી કરી છે. જે પછી બોટાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ વિવાદ બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિને આસન આપવામાં આવ્યુ છે. અગાઉ મૂર્તિ જમીન પર જ રાખવામાં આવી હતી.