સમગ્ર દેશમાં પોષણ અંગે વધુને વધુ જન જાગૃતિ કેળવાય તે આશયથી સપ્ટેમ્બર માસને દેશભરમાં “પોષણમાહ” તરીકે ઉજવવામાં આવે છે. પ્રવર્તમાન ટે્કનોલોજીના યુગમાં નાગરિકોમાં ઈન્ટરનેટનો ઉપયોગ દિન પ્રતિદિન સતત વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં પોષણ અંગે જનજાગૃતિ કેળવાય એ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નવતર અભિગમ દાખવીને વોટસએપ પર ”મહા સ્ટેટ્સ કેમ્પઇન” થકી અનોખી પહેલ હાથ ધરીને ઉજવણીનો શુભારંભ કર્યો છે, એમ મહિલા અને બાળવિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર તા. ૦૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન આ ”મહા સ્ટેટ્સ કેમ્પઈન” હેઠળ લાખો નાગરિકોને વોટસએપ સ્ટેટ્સ મોડ થકી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ પહોંચાડવામાં આવશે.
આ “મહા સ્ટેટ્સ કેમ્પઇન” હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ વોટ્સએપ સ્ટેટસ માટે તૈયાર કરવામાં આવશે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રીશ્રી તથા મહિલા બાળ વિકાસ વિભાગ કમિશનરશ્રી સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત તમામ વડી કચેરીઓનાં અધિકારી-કર્મચારીશ્રીઓ તથા તમામ જીલ્લા, તાલુકા અને ઘટક કચેરીઓનાં અધિકારી-કર્મચારીશ્રી તથા અન્ય સ્ટાફ પણ પોતાના વૉટસએપ પર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓના સ્ટેટ્સ અપલોડ કરીને સહભાગી થયા છે. આ ઉપરાંત રાજ્યની તમામ આંગણવાડી કેન્દ્રનાં કાર્યકર, આંગણવાડી તેડાગર બહેનો અને લાભાર્થીઓએ પણ પોતાના વોટ્સએપ સ્ટેટ્સ પર ફોટા અપલોડ કરીને જોડાયા છે.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ “મહા સ્ટેટ્સ કેમ્પઇન”માં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કાર્યરત તમામ કર્મીઓ દ્વારા જન જાગૃતિ અર્થે લાખો લોકોને ગુજરાતનાં ખુણે ખુણે છેવાડાના માનવી સુધી પોષણ વિષયક સંદેશાઓ પહોંચાડી પોષણ માહ – ૨૦૨૩નાં ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’નાં સંકલ્પને સાકાર કરવામાં આવશે,તેમ વધુમાં જણાવાયું છે.