એક કાર્યક્રમમાં RSSના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે લોકો હવે INDIAને બદલે ભારત બોલવાની આદત પાડી દે.
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન લોકોને INDIAને બદલે ભારત નામનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યુ કે આ દેશનું નામ સદીઓથી ભારત છે, ઇન્ડિયા નથી. એટલે આપણે જૂના નામનો જ ઉપયોગ કરવો જોઇએ.
સર સંઘ પ્રમુખ સકલ જૈન સમાજના એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું, સદીઓથી આપણા દેશનું નામ ભારત રહ્યું છે. ભાષા ગમે તે હોય, નામ એક જ રહે છે. ભાગવતે કહ્યું, આપણો દેશ ભારત છે અને આપણે તમામ વ્યવહારિક ક્ષેત્રોમાં INDIA શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે અને ભારત શબ્દનો ઉપયોગ શરૂ કરવો પડશે, તો જ પરિવર્તન આવશે. આપણે આપણા દેશને ભારત કહેવાનું છે અને બીજાને પણ તે જ સમજાવવું પડશે.
અગાઉ તેમણે શુક્રવારે,1 સપ્ટેમ્બર 2023ના દિવસે કહ્યું હતું કે ભારત એક ‘હિંદુ રાષ્ટ્ર’ છે અને તમામ ભારતીયો હિન્દુ છે અને તમામ ભારતીયો હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરે છે. લોકોની અપેક્ષાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સંઘે આ બધા વિશે વિચારવું જોઈએ.
એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે હિંદુસ્તાન એક હિંદુ રાષ્ટ્ર છે અને આ જ સત્ય છે. વૈચારિક રૂપથી, બધા ભારતીયો હિંદુ છે અને હિંદુનો મતલબ બધા ભારતીય છે. એ બધા જે આજે ભારતમાં છે, તે હિંદુ સંસ્કૃતિ, હિંદુ પૂર્વજો અને હિંદુ ભૂમિથી સંબંધિત છે, એ ઉપરાંત કશું નથી.
ભાગવતે કહ્યું, કેટલાક લોકો તેને સમજી ગયા છે, જ્યારે કેટલાક પોતાની આદતો અને સ્વાર્થના કારણે તેને સમજ્યા પછી પણ તેનો અમલ નથી કરી રહ્યા. આ ઉપરાંત, કેટલાક લોકો તેને હજી સુધી સમજી શક્યા નથી અથવા ભૂલી ગયા છે. ભાગવતે કહ્યું કે ‘આપણી વિચારધારા’ની સમગ્ર વિશ્વમાં ખૂબ માંગ છે. તેમણે કહ્યું કે ખરેખર આ વિચારધારાનો કોઈ વિકલ્પ નથી.
લોકસભાની ચૂંટણી પહેલાં દેશના વિપક્ષોએ ભેગા મળીને એક ગઠબંધન બનાવ્યું છે. બેંગુલુરુમાં જુલાઇ મહિનામાં મળેલી બેઠકમાં આ ગઠબંધનને INDIA નામ આપવામાં આવ્યું હતું.