ગુજરાતની મહાનગર પાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે ત્યારે પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાંથી રાજકોટ માટે શુક્રવારથી જ્યારે અન્ય માટે શનિવારથી સેન્સ લેવાઇ રહ્યો છે. સેન્સમાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન માટે એક પછી એક કોર્પોરેટરને બોલાવીને તેમના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. ૧૧મી સપ્ટેમ્બરે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળનારી સામાન્ય સભામાં મેયરના નામ જાહેર થશે.
પ્રાપ્ત માહિતી મુજબ ૧૧ સપ્ટેમ્બરે સવારે અમદાવાદ કોર્પોરેશન ખાતે મળનારી સામાન્ય સભામાં નવા મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે. જે બાદ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરાશે. લોકસભાને લઈને જાતિગત સમીકરણના આધારે વરણી થવાનો વરતારો ઓસ્વાલ ભવન ખાતેથી મળે છે જ્યાં પ્રદેશ નિરીક્ષકો સેન્સ લઇ રહ્યા છે. અમદાવાદ મેયરની રેસમાં અત્યારે પ્રતિભા જૈન, શીતલ ડાગા અને ગીતાબેન પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. નામનાં સૂચનો નિરીક્ષકો દ્વારા પ્રદેશને મોકલવામાં આવશે. ૧૧મી સપ્ટેમ્બરના રોજ સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળનારી સામાન્ય સભામાં નામ જાહેર થશે. વડોદરાના મેયર તરીકેની રેસમાં નંદાબેન જાેશી, સ્નેહલબેન પટેલ, સંગીતાબેન ચોક્સી અને હેમીશાબેન ઠક્કરના નામ સૌથી આગળ ચાલી રહ્યાં છે. રાજકોટમાં તો શુક્રવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને નવા મેયરની રેસમાં ડૉ. દર્શનાબેન પંડ્યા, જ્યોત્સ્નાબેન ટીલાળા, વર્ષાબેન રાણપરા અને પ્રીતિબેન દોશીનું નામ ચર્ચામાં હોવાનું જાણવા મળ્યું હતું.