ગાંધીનગરનાં ચરેડી છાપરાં પાછળનાં દુર્ગમ એવા ખાડિયા વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી ધમધમતા જુગાર ધામ સુધી પહોંચવામાં એલસીબીને સફળતા મળી છે. એલસીબીએ અત્રે જુગાર રમતાં સાત જુગારીઓને દબોચી લઈ કુલ રૂ. 40 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરનો ચરેડી છાપરાં વિસ્તાર નશા યુકત તાડીનાં ગેરકાયદેસર કારોબાર માટે પંકાયેલ છે. ગીચ ઝૂંપડપટ્ટીની આડમાં નશાનાં વેપારીઓ તાડીનું વેચાણ કરી યુવાધનને નશાનાં રવાડે ચડાવી રહ્યા હોવાથી અહીં છાશવારે પોલીસ દરોડા પાડતી રહે છે. જો કે ચરેડી છાપરાં પાછળ આવેલ ખાડિયા વિસ્તારમાં બારે માસ જુગાર ધમધમતો રહેતો હોય છે. પરંતુ છાપરાં વિસ્તારમાં પોલીસના પ્રવેશતાની સાથે જ ખબર પડી જતી હોવાથી જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યા છે.
જેનાં કારણે અહીં જુગારની સફળ રેઈડ કરવી પોલીસ માટે પડકારજનક બની ગયું હતું. એવામાં લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીઆઈ દિવાનસિંહ વાળાનાં સુપરવિઝન હેઠળ ખાડિયા વિસ્તાર સુધી પહોંચીને જુગારની રેઈડ કરવા માટે ખાસ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જે અન્વયે જુગારીઓ જુગાર રમવા બેસે એના પહેલાથી જ રેકી કરીને એલસીબી ટીમનાં માણસો સાદા ડ્રેસમાં ચરેડી છાપરાં વિસ્તારમાં છૂટા છવાયા વોચ ગોઠવાઈ ગયા હતા.
બાદમાં જુગારનું બોર્ડ બરોબર જામતા ખાડિયા વિસ્તારમાં ચારે દિશામાંથી એલસીબીની ટીમ ઘુસી ગઈ હતી. જેનાં કારણે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં બે ઈસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે સાત ઈસમોને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓની પૂછતાંછમાં તેઓના નામ આશીફ ઇમ્તીયાજભાઇ મલેક, પ્રવિણ ખોડાભાઇ દંતાણી, સલીમ અનવરભાઇ સીપાઇ(ત્રણેય રહે. ચરેડી છાપરાં) મહંમદ રહીક ઉર્ફે મુન્નો બાબાભાઇ બલોચ (રહે. મકાન નં-37,સંજરી પાર્ક-1,પેથાપુર), અરવિંદભાઇ ધર્માભાઇ કાંગસીયા, સબ્બીરભાઇ ઇબ્રાહીમભાઇ સિપાઇ તેમજ રાજુ રાણાભાઇ ઠાકોર(બન્ને રહે ચરેડી છાપરાં) હોવાનું ખુલ્યું હતું.
જ્યારે નાસી જનાર ઇકબાલશા ઇમામશા ફકીર(રહે,ચરેડી છાપરા) તેમજ લક્ષ્મણ તમશીભાઇ ઠાકોર (રહે, ચરેડી) હોવાનું જુગારીઓની પૂછતાંછમાં બહાર આવ્યું હતું. બાદમાં એલસીબીએ સાતેય જુગારીની ધરપકડ કરી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ. 40 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે વોન્ટેડ આરોપી ઇકબાલશા ફકીર અત્રેના વિસ્તારમાં નશા યુકત તાડી વેચતાં ઘણીવાર પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો છે. જે જામીન ઉપર છૂટીને આજ પ્રકારના ગેરકાયદેસર ધંધા કરતો રહે છે.