ગાંધીનગરમાં 22 વર્ષથી જુની કાર લે – વેચવાનો ધંધો કરતાં કુડાસણનાં દલાલને માત્ર પાંચ હજાર કિલોમીટર ફરેલી સ્વીફટ કાર સસ્તા ભાવે ખરીદવાનાં ચક્કરમાં વિસનગરનાં અન્ય એક દલાલે રૂ. 3 લાખ 50 હજારનો ચૂનો લગાવતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગરના સેકટર – 3/ડી પ્લોટ નંબર 942/1 માં રહેતાં આશિષભાઈ રવિશંકર પંડ્યા વાહન લે વેચનો છેલ્લા 22 વર્ષથી ધંધો કરે છે. જેઓની રુદ્ર નામની ઓફિસ બી-104 સ્વાગત ઇન ફોરેસ્ટ કુડાસણ ખાતે આવેલી છે. ગત તા. 9 મી ઓગસ્ટના રોજ આશિષભાઈ ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા. એ વખતે રાજુભાઈ નામના વ્યક્તિએ મોબાઇલ ફોન કરીને અગાઉથી ઓળખતો હોય એ રીતે કેમ છો પંડ્યા કહીને વાતચીત શરૂ હતી. તમારે વર્ષ – 2020 મોડેલનીસ્વિફટ ચાલે,વન ઓનર 5000 કિલો મીટર ફરેલી અને ચાલે તો ફોટા નાખું.
આથી દલાલીનાં ધંધામાં જુનો દલાલ હશે એમ માનીને આશિષભાઈએ ફોનમાં ફોટા મંગાવ્યા હતા.જે ખરીદવાનું વિચારીને ગાડીના માલિક સાથે મિટિંગ કરાવવા રાજુને કહ્યું હતું. બાદમાં રાજુએ મોકલેલ સરનામું – કોન્ટેક્ટ નંબરના આધારે આશિષભાઈએ ગાડીના માલિક સરગાસણ આવકર એમરલ સોસાયટીમાં રહેતા હાર્દિક મોદી સાથે મિટિંગ કરી હતી.જ્યાં કાર પસંદ આવી જતાં હાર્દિકભાઈએ ઓએલએક્સ સાઈટ પર કાર વેચવા મૂકી હોવાથી રાજુ નામના દલાલ સાથે સંપર્ક થયો હોવાની જણાવી ભાવતાલની ચર્ચા તેની સાથે કરવા કહ્યું હતું.
આથી આશિષભાઈએ રાજુ સાથે થયેલી ડીલ મુજબ હાર્દિકભાઈને ઓનલાઇન 40 હજાર આપી દઈ બાકીના રૂ. 3.50 લાખ આંગડીયા મારફતે ઇડર ખાતે પી.એમ આંગડીયા પેઢીમાં ધરમશી નામની વ્યક્તિના નામે મોકલી મોકલી દીધા હતા. અને બાકીના એક લાખ રાજુ રૂબરૂ આવીને લઈ જવાનો હતો.જો કે પૈસા પેઢી મારફતે મોકલ્યા પછી રાજુ નામના દલાલે ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી આશિષભાઈએ હાર્દિકભાઈ પાસે કારની ડીલીવરીની માંગણી કરી હતી.પરંતુ પુરા રૂપિયા મળે પછી જ કારની ડીલીવરી આપવાની વાત કરી હતી. આથી આશિષ ભાઈને ખ્યાલ આવી ગયેલ કે હાર્દિકભાઈને પણ અંધારામાં રાખી રાજુ નામનો દલાલ કળા કરી ગયો છે.
બાદમાં વધુ તપાસ કરતાં આશિષભાઈને માલુમ પડયું હતું કે, આજ મોડસ ઓપરેન્ડીથી ગુનો કરવાના ગુનામાં બોપલ અને સુરત પોલીસ મથકમાં પિયુષ મહેશભાઇ પટેલ (રહે.મારૂતીનંબર બેંગ્લોઝ કાંસા વિસનગર મુળ ગામ અબાસણા તા. વિજાપુર) પકડાયો છે.જેનાં પગલે આશિષભાઈની ફરીયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.