ગાંધીનગરના એક ગામની પરિણીતાએ દારૂડિયા પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને પતિની નજર સામે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તોય સુધરવાના બદલે નશામાં ચૂર પતિએ ૨૫ દિવસના નવજાત બાળકને છીનવી લઈ પત્નીને ઘરમાંથી તગેડી મૂકી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગાંધીનગરના એક ગામમાં રહેતી યુવતીએ બે વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન પછી પરિણીતા પતિ સાથે સાસરીમાં રહેવા ગઈ હતી. પ્રારંભિક લગ્ન જીવન શાંતિથી પસાર થયું હતું. પરંતુ બાદમાં પતિ દારૂનાં રવાડે ચડી જતાં ઘરમાં કંકાસ થવા લાગ્યો હતો.ધીમે ધીમે પતિનો ત્રાસ વધવા લાગતા પરિણીતાએ પિયરમાં સઘળી હકીકત વર્ણવી હતી. પરંતુ ઘર સંસાર તૂટે નહીં એ માટે પિયરીયા દીકરીને સમજાવી સાસરી મોકલી દેતાં હતાં. આમ ને આમ દિવસો વીતતાં ગયા પણ પતિનો ત્રાસ ઘટવાના બદલે વધવા લાગ્યો હતો. એવામાં પરિણીતા ગર્ભવતી હોવા છતાં પતિ શારીરિક માનસિક ત્રાસ આપવાની કસર છોડતો નહીં. ધીમે ધીમે બને વચ્ચેનો પ્રેમ ઓસરવા લાગ્યો હતો.
આ દરમિયાન પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ મેડિકલ કારણોસર તેને ૨૦ દિવસ કાચની પેટીમાં રાખવાની નોબત આવી હતી. અનેક માનતાઓ અને ડોક્ટરની સઘન સારવાર પછી બાળક સ્વસ્થ થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે. એવામાં પતિ ચિક્કાર દારૃ પીને ઘરે પહોંચ્યો હતો અને જમવાની બાબતે પરિણીતાને મારઝૂડ કરી જેમતેમ બોલવા લાગ્યો હતો.
જે બાબતે લાગી આવતાં પતિની નજર સામે જ આપઘાતનો પ્રયાસ કરે છે. જેનાં પગલે વધુ રોષે ભરાયેલ પતિએ બાળક છીનવી લઈ પરિણીતાને ઘરેથી તગેડી મૂકી હતી. જેથી પરિણીતાએ પોતાનું નવજાત બાળક મેળવવા માટે ઘણો વલોપાત કર્યો હતો.
પરંતુ પતિ કોઈ કાળે માનવા તૈયાર ન હતો. આખરે કંટાળીને તેણીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં મદદ માંગી હતી. અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ પીડિતા પાસે પહોંચી જાય છે. બાદમાં દારૂડીયા પતિનું મેરેથોન કાઉન્સિલિંગ કરી કાયદાના પાઠ ભણાવવામાં આવે છે. ત્યારે જઈને પતિને પોતાની ભૂલનું ભાન થતાં તેણે પત્નીની માફી માંગી બાળક સોંપ્યું હતું. આમ બન્ને પક્ષે સુખદ સમાધાન કરાવીને ૧૮૧ અભયમની ટીમે વધુ એક ઘર સંસાર તૂટતાં બચાવી લેવામાં આવ્યો છે.