નવી દિલ્હીમાં આ અઠવાડિયે G20 શિખર સંમેલન યોજાવાનું છે. જેમાં અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન સહિત 19 દેશના નેતા ભાગ લેશે. આ નેતાઓના આગમન પહેલાં દિલ્હીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે, સુરક્ષાવ્યવસ્થા કડક કરી દેવાઈ છે.
તદ્ઉપરાંત 30થી વધારે હોટેલ બુક કરવામાં આવી છે, જેમાં દુનિયાભરમાંથી આવેલા નેતાઓ અને પ્રતિનિધિઓ રોકાશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન જ્યાં રોકાવાના છે તે હોટેલનું એક રાતનું ભાડું લગભગ આઠ લાખ રૂપિયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન G20 સંમેલનમાં ભાગ લેવા માટે સાતથી દશ સપ્ટેમ્બર સુધી ભારતમાં રોકાશે. સૂત્રો અનુસાર, રાષ્ટ્રપતિ બાઇડેન આઇટીસી મૌર્ય શેરેટોનમાં રોકાશે. હોટેલના દરેક માળ પર સિક્રેટ સર્વિસ કમાન્ડો તહેનાત રહેશે. બાઇડેનને હોટેલના ચૌદમા માળે લઈ જવા માટે એક વિશેષ લિફ્ટ લગાડવામાં આવશે. આ હોટેલના લગભગ 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારત આવેલા ત્યારે તેમના માટે પણ ચાણક્ય સ્યૂટ બુક કરવામાં આવ્યો હતો. આ સ્યૂટ માટે અલગ લિફ્ટ હોય છે.
G20 શિખર સંમેલન માટે વિદેશથી આવેલા મહેમાનો માટે દિલ્હીમાં લગભગ 23 અને એનસીઆરમાં નવ હોટેલ બુક કરવામાં આવી છે. દિલ્હીમાં આઇટીસી મૌર્ય, તાજ માનસિંહ, તાજ પેલેસ, હોટેલ ઓબેરોય, હોટેલ લલિત, ધ લોધી, લા મેરિડિયન, હયાત રિજેન્સી, શાંગરી લા, લીલા પેલેસ, હોટેલ અશોક, ઇરોસ હોટેલ, ધ સૂર્યા, રેડિસન બ્લૂ પ્લાઝા, જેડબ્લ્યુ મેરિયોટ, શેરેટોન, ધ લીલા એમ્બિઅન્સ કન્વેન્શન, હોટેલ પુલમેન, રોસેટ હોટેલ અને ધ ઇમ્પિરિયલ; જ્યારે એનસીઆરમાં ધ વિવાંતા, આઇટીસી ગ્રાન્ડ, તાજ સિટી સેન્ટર, હયાત રિજેન્સી, ધ ઓબેરોય, વેસ્ટ ઈન, ક્રાઉન પ્લાઝામાં મહેમાનોની આગતસ્વાગતા કરવામાં આવશે.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ભારતયાત્રા દરમિયાન શાંગરી લા હોટેલમાં રોકાશે. આ હોટેલમાં 320 રૂમ્સ અને સ્યૂટ્સ છે. ફરાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોં ક્લેરિજેસ હોટેલમાં રોકાણ કરશે. 1955માં બનેલી આ હોટેલ સ્વતંત્ર ભારતની પહેલી ફાઇવસ્ટાર હોટેલ છે. ચીની પ્રતિનિધિમંડળની તાજ પેલેસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લલિત હોટેલમાં રોકાશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝની રોકાણવ્યવસ્થા ઇમ્પિરિયલ હોટેલમાં કરવામાં આવી છે.
ભારતીય વાયુસેનાએ જી-20 શિખરમાં ભાગ લેવા વિશ્વનેતાઓ દિલ્હી પહોંચે ત્યારે તેમને આવકારવા ખાસ વ્યવસ્થા કરી છે. યોજના મુજબ પાલમ ટેક્નિકલ એરપોર્ટ ખાતે એર ફોર્સ વન સહિતના 70 વીવીઆઇપી મહેમાન નેતાઓના વિમાનોને આવકાર આપવામાં આવશે. અધિકારીઓએ આ જાણકારી આપતાં કહ્યું હતું કે અન્ય ચાર એરપોર્ટને રિઝર્વ્ડ રાખવામાં આવ્યા છે. તાકીદની સ્થિતિ માટે લખનઉ, જયપુર, ઇન્દોર અને અમૃતસર એરપોર્ટને સ્ટેન્ડબાય રિઝર્વ્ડ રાખવામાં આવ્યા છે.