ગાંધીનગરમાં વર્લ્ડ બેંક પ્રોજેક્ટ અંતર્ગત રોડ ઉપર રખડતાં ઢોરની મુવમેન્ટની વાહનચાલકને અગાઉથી જાણકારી અર્થે લગાવવામાં આવેલા વાઈલ્ડ લાઈફ કેમેરાની પેનલનાં તાળા તોડી તસ્કરો કેમેરાના બે મધર બોર્ડ સહીતના 24 હજાર 400 ની કિંમતના ઉપકરણો ચોરીને ફરાર થઈ જતાં ખુદ પોલીસે જ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.
શહેરનાં પ્રવેશ દ્વાર ચ-0થી મધર ડેરી ભાટ સુધીના ધોરી માર્ગના ટર્નિંગ કટ પોઇન્ટ પાસે વાઈલ્ડ લાઈફ ડિટેકશન, ઇનસીડેન્ટ ડિટેકશન અને સ્પીડ ડિટેકશન કેમેરાની સાથો સાથ રડારથી સજ્જ અત્યાધુનિક હાઈ ડેફીનૅશન કેમેરા સાથેની “હેરપીન બેન્ડ સેન્સર સિસ્ટમ” પણ ફીટ કરવામાં છે. જે અંતર્ગત ધોરી માર્ગ ઉપર રખડતાં પશુઓ અંગે દૂરથી જ વાહન ચાલકને એલર્ટ કરી દેવાય છે. ત્યારે આ અત્યાધુનિક કેમેરાની પેનલનાં દરવાજા તોડી તસ્કરો ઉપકરણો ચોરી ગયાની ફરિયાદ દાખલ થઇ છે.
ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટરનાં કમાન્ડ એન્ડ કંટ્રોલનાં પીએસઆઇ એચ પી પટેલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગત તા. ચોથી સપ્ટેમ્બરે ઓફિસર ફિલ્ડ એન્જિનિયર બ્રિજેશ પટેલ વાઈલ્ડ લાઈફ કેમેરાની વિઝીટ જતાં ટેકલ્ચર ટેક્નોલોજી ઇન્ડીયા પ્રાઈવેટ લિ.કંપનીએ રાયસણ પેટ્રોલ પંપ પાસે લગાવેલ વાઈડ લાઈફ કેમેરાની પેનલનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો. અને વાયરો કાપી અંદરથી બે મધર બોર્ડ તથા છ એસ.એમ.પી.એસ ચોરી થતાં કેમેરા બંધ થઈ ગયા હતા.
આ મામલે જાણ થતાં પીએસઆઇ પટેલ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. અને ચકાસણી કરતાં તસ્કરો 24 હજાર 400 ની કિંમતના કેમેરાના ઉપકરણો ચોરી ગયાનું સામે આવ્યું હતું. આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.